Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

ચીન હરકત કરશે તો જોરદાર જવાબ અપાશે : ભારતીય હવાઇદળના પ્રમુખ રાકેશ કુમારસિંહ ભદોરિયા

જોધપુરમાં ભારત-ફ્રાન્સ યુધ્ધાભ્યાસનો પ્રારંભ : વાયુસેનાના યુદ્ધાભ્યાસમાં અન્ય વિમાનો સાથે રાફેલ, સુખોઇ અને મિરાજ-૨૦૦ જેવા વિમાનોનું શક્તિ પ્રદર્શન

જયપુર, તા. ૨૩ : રાજસ્થાનના જોધપુર પાસે ફ્રાન્સ અને ભારત વચ્ચે થયેલા વાયુસેનાના યુદ્ધાભ્યાસમાં અન્ય વિમાનો સાથે રાફેલ, સુખોઇ અને મિરાજ-૨૦૦ જેવા જંગી વિમાનોએ શક્તિ પ્રદર્શન કર્યુ હતું. દરમિયાન ભારતીય હવાઇ દળના પ્રમુખ રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, તેણે એલએસી પર કોઇ હરકત કરી તો ભારત પણ અંદાજમાં જવાબ આપશે.

હાલમાં પણ એલએસી ભારત-ચીન વચ્ચે ભૂમિવિવાદ વકર્યો છે અને માટે સતત કમાન્ડર સ્તરની વાતચીત કરવામાં આવી રહી છે. એવામાં ચીન દ્વારા એલએસી પર આક્રમક થવાની સંભાવના પર એરફોર્સ ચીફનું કહેવુ હતું કે, ચીન આક્રમક થાય તો ભારત પણ આક્રમક થઇ શકે છે. દરમિયાન તેમણે રાફેલ ૧૧૪ મલ્ટીરોલ લડાકુ વિમાન ખરીદવાના પ્રોજેક્ટ તરફ સંકેત આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શનિવારે વહેલી સવારે જોધપુર પાસે ભારત-ફ્રાન્સની સેનાએ સંયુક્ત યુદ્ધાભ્યાસનો આરંભ કર્યો હતો, જેને એક્સ ડેઝર્ટ નાઇટ ૨૧ નામ આપવામાં આવ્યું હતું. યુદ્ધાભ્યાસમાં ફ્રાન્સિસી સેનાના ૧૭૫ સૈનિકો સહિત અત્યાધુનિક યુદ્ધ વિમાનો સામેલ થયા હતા.

(12:00 am IST)