Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

લોકો ઉપર વધારે ટેક્સ લાગૂ કરવું અન્યાય જ છે : મુખ્ય ન્યાયાધીશ એસ.એ બોબડે

બજેટ પહેલા મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે દ્વારા મોટું નિવેદન : પેન્ડિંગ રહેલા કેસમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો : મુખ્ય ન્યાયાધીશ એસ.એ બોબડે

નવીદિલ્હી, તા. ૨૪ : બજેટ રજૂ થાય તેના એક સપ્તાહ પહેલા દેશના મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેએ ટેક્સ સુધારાને લઇને આજે મોટુ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરકાર તરફથી પ્રજા ઉપર વધારે અથવા તો મનમાનીરીતે ટેક્સ લાગૂ કરવાની બાબત સમાજ પ્રત્યે અન્યાય છે. ચીફ જસ્ટિસે ટેક્સ ચોરીને અપરાધ તરીકે ગણાવીને કહ્યું હતું કે, આ બીજા લોકોની સાથે પણ અન્યાય છે. યોગ્ય ટેક્સની તરફેણ કરતા તેમણે કહ્યું હતું કે, દેશમાં જુના સમયમાં અમલી રહેલા ટેક્સ કાનૂનો પણ દાખલારુપ રહ્યા છે. ઇન્કમટેક્સ એપલેટ ટ્રીબ્યુનલના ૭૯માં સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, નાગરિકો પાસેથી ટેક્સ એવી જ રીતે વસુલ કરવાની જરૂર છે જે રીતે મધમાખી ફુલોને નુકસાન પહોંચાડ્યા વગર રસ ખેંચે છે.

                 બોબડેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. સામાન્યરીતે ન્યાયતંત્રના લોકો આ પ્રકારના મુદ્દા પર નિવેદન કરતા નથી ત્યારે ચીફ જસ્ટિસે આ મુજબની વાત કરી છે. ટેક્સ ન્યાયતંત્રની દેશ માટે સંશાધનો એકત્રિત કરવામાં ભૂમિકા રહેલી છે. પેન્ડિંગ રહેલા કેસોને લઇને પણ ચિંતા વ્યક્ત કરી હતી. સાથે સાથે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને સીઇએટીએટીમાં પેન્ડિંગ રહેલા પરોક્ષ કરવેરા સાથે જોડાયેલા કેસોમાં બે વર્ષમાં ૬૧ ટકાનો ઘટાડો થયો છે. ડાયરેક્ટ ટેક્સ સાથે જોડાયેલા કેસોની વાત કરવામાં આવે તો ૩.૪૧ લાખ કેસ કમિશનર પાસે પેન્ડિંગ છે.

(9:42 pm IST)