Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ભારતની લંડન એલચી કચેરી બહાર ભારતનું બંધારણ સળગાવવા પાકિસ્તાનની નાપાક હરકતો

પ્રદર્શનકારીઓને અટકાવવા પ્રયાસ ચાલુ છે : ભારત વિરોધી દેખાવોમાં પાકિસ્તાન તરફે અનેક સંગઠનો જોડાશેઃ ગૃહમંત્રી સમક્ષ ઉગ્ર રજુઆતો

લંડન, તા.૨૪: અહીંના ભારતીય દુતાવાસ બહાર ૨૬ જાન્યુઆરીના રોજ પાકિસ્તાની પ્રદર્શનકારીઓ એકત્ર થઇ ભારતીય બંધારણની કોપીઓને સળગાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યુ છે. વિરોધ પ્રદર્શન માટે લોકોને ભેગા કરવાની પણ શરૂઆત કરવામાં આવી હતી. જેનાં કારણે લંડન સ્થિત ભારતીય હાઇ કમિશ્નરે બ્રિટનની ગૃહમંત્રીને મળીને ચિંતા વ્યકત કરી હતી. ભારતીય સમુદાયના લોકોએ પણ પત્ર લખીને પ્રદર્શન પર બેન લગાવવા માંગણી કરી રહ્યાં છે.

લંડનમાં રહેતા પાકિસ્તાની ૨૬ જાન્યુઆરીનાં રોજ ભારતીય દુતાવાસની બહાર વિરોધ પ્રદર્શનનાં બહાને ભારતીય બંધારણની કોપીઓ સળગાવવાની ફિરાકમાં છે. જેને અટકાવવા માટે ભારતીય હાઇ કમિશ્નર રુચિ ઘનશ્યામે બ્રિટનનાં ગૃહમંત્રી પ્રીતી પટેલ સાથે મુલાકાત કરી છે.

ઓવરસીજ ફ્રેંડ ઓફ બીજેપીના અધ્યક્ષ કુલદિપ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, 'અમે લંડનનાં મેયર, પોલીસ કમિશ્નર અને ગૃહ મંત્રાલયને પત્ર લખવાનાં છીએ. આ મુદાને બ્રિટનના પ્રધાનમંત્રી સમક્ષ ઉઠાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ. પ્રદર્શન કરનારા સંગઠન તહરીક-એ-કાશ્મીર યૂકેના અધ્યક્ષ ફાહિમ કયાનીનું કહેવું છે કે તહરીક-એ-કાશ્મીર યૂકે અને આ રીતનાં અનેક સંગઠનો મળીને ભારતીય દુતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કરશે. સાથે સાથે ભારતીય બંધારણની કોપીઓ સળગાવવામાં આવશે. તેમ કયાનીનાં કહેવા પ્રમાણે પ્રદર્શનમાં ખાલિસ્તાન સમર્થન સંગઠન પણ જોડાશે.

(4:22 pm IST)