Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

'કોરોના' ગાંડોતૂરઃ ચીનમાં વધતો જતો મૃત્યુઆંકઃ ૨૫ જીવ ગયા : ૫ શહેરોમાં લોકડાઉનઃ ૮૩૦ કેસો

ભારતના ચીની રાજદુત દ્વારા એેડવાઇઝરી જાહેરઃ વાયરસ અંગે અમે સર્તકઃ વિદેશ ખાતુ

બેઈજિંગઃ ચીનમાં કોરોના વાયરસની અસર સતત વધી રહી છે. સમગ્ર દેશમાં આ વાયરસના ૮૩૦ કેસ સામે આવ્યા છે. આ સિવાય ૨૦ રાજયોમાં ૧૦૭૨ લોકોને આ વાયરસનું ઈન્ફેકશન હોવાની શકયતા છે. ગુરુવાર સુધીમાં આ વાયરસના કારણે ૨૫ લોકોના મોત થયા છે. ચીનના જે ૫ શહેરોમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે તે શહેરોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે.

વુહાનના ૯૦ લાખ લોકો સહિત કુલ ૨ કરોડ લોકોનો બહારની દુનિયા સાથેનો સંપર્ક કટ કરી દેવામાં આવ્યો છે. આ ૫ શહેરોમાં આવતી બસો, ટ્રેનો અને ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. આ પહેલાં કોરોના વાયરસથી પ્રભાવિત લોકો ચીન બહાર ગયા હોવાથી આ બીમારીની અસર દુનિયાના ૯ દેશો સુધી પહોંચી છે.

 એક દિવસ પહેલાં જ સાઉદી અરબની હોસ્પિટલમાં કામ કરતી એક ભારતીય નર્સને કોરોના વાયરસનું ઈન્ફેકશન હોવાની શકયતા જોવા મળી હતી. જોકે સાઉદી સ્થિત ભારતીય એમ્બેસેડરે કહ્યું છે કે, નર્સ વાયરસના ટે ટાઈપથી પીડિત નથી. વધુમાં તેમણે કહ્યું છે કે, નર્સ કોરોના વાયરસના MERS-COV ટાઈપથી પીડિત છે, જયારે ચીનમાં હાલ NCOV (વુહાન) વાયરસ ફેલાયેલો છે.

સાઉદી અરબના સાઈન્ટિફિક રીજનલ ઈન્ફેકશન કન્ટ્રોલ કમિટીના અધ્યક્ષ ડોકટર તારિક અલ-અજરાકીએ કહ્યું છે કે, ભારતીય નર્સને જે કોરોના વાયરસ થયો છે તે બીજા પ્રકારનો છે. તેની ઓળખ સાઉદી અરબમાં ૨૦૧૨માં થઈ હતી. જયારે ચીનમાં ૨૫ લોકોના જીવ લેનાર વાયરસ પહેલીવાર વુહાનમાં ૨૦૧૯માં સામે આવ્યો હતો. વુહાનનો આ વાયરસ પહેલાં કયાંય જોવા મળ્યો નથી, તે ઝડપથી તેનું સ્વરૂપ બદલી રહ્યો છે.

 ચીની પ્રશાસને સૌથી વધારે પ્રભાવિત પાંચ શહેરો વુહાન, ઈઝોઉ, હુઆંગગૈંગ, ચિબી અને ઝિઝિયાંગથી લોકોને બહાર જવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. આ શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ટ્રેન રોકી દેવામાં આવી છે. લોકોને કારણ વગર દ્યરેથી ન નીકળવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત ભીડ ભેગી થવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

 ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ગુરુવારે કહ્યું છે કે, કોરોના વાયરસ વિશે અમે સતર્ક છીએ. ચીનમાં આપણાં એમ્બેસેડરે પણ એડ્વાઈઝરી જાહેર કરી છે. આવનાર લોકોનેએ સ્ક્રીનિંગ પ્રોસેસમાંથી પસાર થવું પડશે. તે ઉપરાંત ત્યાં રહેતા ભારતીય લોકોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે.  અમેરિકાના ૫ એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. લંડનમાં મોસ્કો સુધી એરપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે. WHO¸ ખુલાસો કર્યો છે કે, પ્રભાવિત લોકો સંપર્કમાં આવતા ઈન્ફેકશન ફેલાવાની શકયતા છે. માનવામાં આવે છે કે, આ વાયરસ જાનવરથી ફેલાયો છે. ચીનના સ્વાસ્થય વિભાગના સીનિયર અધિકારી ગાઓ ફૂએ કહ્યું કે, અમે પહેલેથી જ જાણીએ છીએ કે આ બીમારી એક એવી જગ્યાથી વીકસી છે જયાં ગેરકાયદે રીતે જંગલી જાનવરોનું ખરીદ-વેચાણ થાય છે.

(4:17 pm IST)