Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કપડાથી ઓળખ બાદ હવે ભાજપના નેતાએ કહ્યું - પૌંઆ ખાતા જોઇને જ ખબર પડી જાય આ લોકો બાંગ્લાદેશી છે

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મારા ઘરમાં કામ કરી રહેલા મજૂરોની પૌંઆ ખાવાની સ્ટાઇલથી હું સમજી ગયો કે તેઓ બાંગ્લાદેશી છે

નવી દિલ્હી : નાગરિક સંશોધન કાયદાની વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન મોદીએ 'કપડાથી ઓળખ'વાળું નિવેદન આપ્યું હતું. પીએમ મોદી બાદ હવે તેમની જ પાર્ટીના સિનિયર નેતા કૈલાશ વિજયવર્ગીય એ અજીબોગરીબ નિવેદન આપ્યું છે. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મારા ઘરમાં કામ કરી રહેલા મજૂરોની પૌંઆ ખાવાની સ્ટાઇલથી હું સમજી ગયો કે તેઓ બાંગ્લાદેશી છે. વિજય વર્ગીયના આ નિવેદન બાદ ટ્વિટરમાં Poha જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે.

  ઇન્દોર શહેરમાં એક સંગોષ્ઠીને સંબોધિત કરતાં કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે જ્યારે તાજેતરમાં જ મારા ઘરમાં એક ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું હતું તો કેટલાંક મજૂરોના ખાવાની સ્ટાઇલ મને અજીબ લાગી. તેઓ માત્ર પૌઆ ખાઇ રહ્યા હતા. મેં તેમના સુપરવિઝર સાથે વાતચીત કરી અને શંકા અંગે પૂછયું કે શું આ બાંગ્લાદેશી છે. તેના બે દિવસ બાદ તમામ મજૂર કામ પર આવ્યા જ નહીં
   ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે આ કેસમાં મેં હજુ સુધી પોલીસ ફરિયાદ કરી નથી. હું માત્ર આ ઘટનાનો ઉલ્લેખ કરીને તમને બધાને જણાવા માંગું છું. આ બધું દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો છે. હું જ્યારે બહાર જઉં છું તો મારી સાથે 6 સુરક્ષાકર્મી હોય છે, કારણ કે ઘૂસણખોરો દેશનો માહોલ બગાડી રહ્યા છે.
CAAના સમર્થનમાં બોલતા કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે અફવાઓથી ગુમરાહ ના થાઓ, સીએએમાં દેશનું હિત છે. આ કાયદો વાસ્તવિક શરણાર્થીઓને નાગરિકતા આપીશું અને ઘૂસણખોરોની ઓળખ થશે, જો કે દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો છે.

(12:20 pm IST)