Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

બેકારી - અર્થતંત્રથી લોકો ચિંતિત છતાં સરકારથી સંતુષ્ટ

મુડ ઓફ ધ નેશનનો સર્વે : નાણામંત્રી ઉપર મોટાભાગના લોકોને ભરોસો : યુપીએ કરતા સારી છે NDA સરકાર ૫૩ ટકા લોકોની પસંદ છે નરેન્દ્ર મોદી : રાહુલની તરફેણમાં માત્ર ૧૩ ટકા લોકો : CAA - NRCથી સરકારને નુકસાન : કોંગ્રેસને ફાયદો : આજે ચૂંટણી થાય તો NDAને ૩૦૩, કોંગ્રેસને ૧૦૮ બેઠકો મળે

નવી દિલ્હી તા. ૨૪ : ભારતના આર્થિક વિકાસમાં પછડાટના કારણે સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું છે. ભારતીય અર્થવ્યવસ્થાની કથળેલી સ્થિતિ જોઇને લોકો પણ ચિંતિત છે. જો કે મોદી સરકારમાં તેનો વિશ્વાસ હજુ પણ રહેલો છે. એક અહેવાલના સર્વેમાં જાણવા મળ્યું છે કે, અંદાજે ૬૦ ટકા ભારતીયોનો અર્થવ્યવસ્થા પર દ્રષ્ટિકોણ નકારાત્મક છે.

આ સર્વેક્ષણ ૧૨,૧૪૧ લોકો પર કરવામાં આવ્યો સર્વેક્ષણમાં સામેલ લોકોમાંથી ફકત ૨૯ ટકા લોકોનું માનવું છે કે, અર્થવ્યવસ્થાનું પ્રદર્શન સારૂ અને ચિંતાની કોઇ વાત નથી. તેનાથી ઉલટુ એવા લોકોની સંખ્યા વધુ છે જે માને છે કે અર્થવ્યવસ્થાનું પ્રદર્શન ધીમુ અથવા ખરાબ છે.

સર્વેમાં સામેલ અંદાજે ૩૨ ટકા લોકોનું માનવું છે કે, અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે પરંતુ ગયા વર્ષની સરખામણીમાં તેની ગતિ ખૂબ જ ધીમી છે. ૧૮ ટકાનું માનવું છે કે, અર્થવ્યવસ્થા જરા પણ આગળ વધી રહી નથી. જ્યારે ૧૦ ટકાનું માનવું છે કે, અર્થવ્યવસ્થા પછડાટ ખાઇ રહી છે. બાકીના ૧૧ ટકા લોકોનું કોઇ મંતવ્ય નથી.

જો સરકાર દેશમાં બેરોજગારીની સમસ્યાનો ઇન્કાર કરે છે, પરંતુ 'મૂડ ઓફ ધ નેશન' સર્વેમાં જોવા મળ્યું છે કે, બેરોજગારીની સમસ્યા ભારતીયોની સૌથી મોટી ચિંતા છે. સર્વેમાં સામેલ ૩૨ ટકા લોકોનું માનવું છે કે, તેઓ સૌથી વધુ બેરોજગારીથી ચિંતિત છે. ૧૫ ટકા લોકો ખેડુતોના સંકટને ચિંતાનો વિષય માને છે. ૧૪ ટકા લોકો મોંઘવારી, ૧૨ ટકા લોકો ભ્રષ્ટાચાર અને ૧૦ ટકા લોકો આર્થિકમંદીને સૌથી મોટી સમસ્યા માને છે.

આ સર્વે કહે છે કે, દેશના યુવા બેરોજગારીની સ્થિતિથી વધુ ચિંતીત છે. ૧૮-૨૪ વર્ષ ઉંમરના ૩૮ ટકા લોકો સૌથી વધુ બેરોજગારી અંગે ચિંતીત છે. ૨૫-૩૦ વર્ષ આયુ વર્ગના ૩૩ ટકા લોકોની પણ સૌથી મોટી ચિંતા બેરોજગારી છે પરંતુ વધુ આયુ વર્ગના લોકોમાં આ ટકાવારી ઘટી જાય છે.

જાન્યુઆરીની શરૂઆતમાં જાહેર એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ એશિયાની યુવા રોજગારી બેરોજગારી ઝઝુમી રહી છે. રીપોર્ટના જણાવ્યા મુજબ સંપૂર્ણ ક્ષેત્રમાં સૌથી વધુ સંઘર્ષ કરવામાં યુવા છે. ઉદાહરણ માટે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકામાં ૩૦ ટકાથી વધુ યુવા શિક્ષા, રોજગાર અથવા તાલીમથી દુર છે. ભારતમાં એ આંકડો ૪૦ ટકા છે.

સર્વેમાં સામેલ વધુ પડતા પછડાટ ખાતી અર્થવ્યવસ્થા છતાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પર ભરોસો વ્યકત કર્યો છે. અંદાજે ૩૯ ટકા લોકોનું માનવું છે કે આર્થિક મંદીથી નિપટવા માટે સીતારમણે સારૃં કાર્ય કર્યું છે. ૧૬ ટકાએ કહ્યું કે, સીતારમણ આર્થિક મંદીને સંભાળવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.

નાગરિકતા સંશોધન અધિનિયમ અને એનઆરસીને લઈ દેશભરમાં થઈ રહેલ પ્રદર્શનોને કારણે ભાજપને નુકસાન થઈ રહ્યું છે. CAA અને NRCના કારણે ભાજપને સીટનું નુકસાન થઈ શકે છે. ઈન્ડિયા ટુડે અને કાર્વી ઈનસાઈટ્સ દ્વારા કરાવવામાં આવેલ મૂડ ઓફ ધી નેશન સર્વે મુજબ જો જાન્યુઆરીમાં લોકસભા ચૂંટણઈ થઈ તો ભારતીય જનતા પાર્ટી અને એનડીએમાં સામેલ દળોને નુકસાન ઉઠાવવું પડી શકે છે. જયારે સીએએ અને એનઆરસી પર ભાજપથી લોકોની નારાજગીનો ફાયદો કોંગ્રેસને થતો દેખાઈ રહ્યો છે.

સીએએ પર લોકોના વિરોધ પ્રદર્શન અને નારાજગીની અસર જયાં ભાજપની લોકપ્રિયતા પર પડી છે ત્યાં જ પીએણની રેસમાં નરેન્દ્ર મોદી ફરી ટોપ પર છે. પીએમ પદ માટે નરેન્દ્ર મોદી સૌથી વધુ ૫૩ ટકા લોકોની પહેલી પસંદ બન્યા છે. લોકોએ ભાજપ સાથે નારાજગી જતાવી, પરંતુ મોદીને જ હજી પણ પીએમ પદ પર જોવા માગે છે. જયારે માત્ર ૧૩ ટકા લોકોએ રાહુલ ગાંધીને પીએમ તરીકે પસંદ કર્યા છે. જયારે માત્ર ૭ ટકા લોકોની પસંદ સાથે કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ સોનિયા ગાંધી ત્રીજા નંબરે છે. જયારે ૪ ટકા લોકોની પસંદ સાથે અમિત શાહ ચોથા નંબર પર છે.

મૂડ ઓફ ધી નેશનના રિપોર્ટ મુજબ સીએએ અને એનઆરસીને લઈ મોદી સરકારની લોકપ્રિયતામાં ઘટાડો આવ્યો છે. સર્વે મુજબ જો આજે ચૂંટણી થાય છે તો ભાજપના નેતૃત્વવાળા એનડીએને ચૂંટણીમાં માત્ર ૩૦૩ સીટ મળી શકે છે, અને જો માત્ર ભાજપની વાત કરીએ તો ભાજપ ૩૦૩ સીટથી ઘટી ૨૭૧ સીટ પર સમેટાતી દેખાઈ શકે છે. તેનો ફાયદો કોંગ્રેસને થશે.

(10:48 am IST)