Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ટ્રાયનો હાઇકોર્ટમાં દાવો

૧૩૦માં અંદાજે ૨૦૦ ચેનલ જોવા મળશે

મુંબઈ, તા.૨૪: સેટસાઇટ ટેલિવિઝન ચેનલના દરમાં પારદર્શકતા અને સમાનતા લાવવા અને ગ્રાહકોના હિત માટે જ સુધારિત દર લાગુ કરવામાં આવ્યા છે, એવી સ્પષ્ટતા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાય) દ્વારા બુધવારે મુંબઈ હાઇ કોર્ટમાં કરવામાં આવી હતી. ટ્રાય દ્વારા રજૂ કરવામાં આવેલા નવા નિયમ પ્રમાણે ટીવી ચેનલો પર નવા દરના પ્રતિબંધ લાદવામાં આવ્યા છે જેમાં નેટવર્ક કેપેસિટી ફી રૂ. ૧૩૦ સુધી નક્કી કરવામાં આવી છે. આ દર મર્યાદાને કારણે ગ્રાહકોને ફાયદો જ થશે, એમ ટ્રાયનું કહેવું છે.

ટ્રાયના નિર્દેશનો દરેક ચેનલ માટે ૧૫મી જાન્યુઆરી સુધી જાહેર કરવાનું ફરજિયાત હતું, પરંતુ ચેનલો દ્વારા મુંબઈ હાઇ કોર્ટમાં તેના વિરોધમાં અરજી કરવામાં આવી છે. ટ્રાયનો નિર્ણય મનમાનીભર્યો અને ચેનલ ચાલકોના અધિકાર પર આક્રમણ કરનારો છે, એવો આક્ષેપ અરજીમાં કરાયો છે. અગાઉ ચેનલો દ્વારા ગ્રાહકો પાસેથી વધુ પૈસા પડાવવામાં આવતા હતા જે ગ્રાહકોના હિતના વિરોધમાં હતા. એવું થતા અટકાવવા માટે સંબંધિત નિર્દેશનો જાહેર કર્યાનો ખુલાસો ટ્રાયે કર્યો હતો. નવા નિર્દેશનો પ્રમાણે ગ્રાહકોને ચેનલની પસંદગી કરવાનો અધિકાર મળશે. અગાઉ ફ્રી ટુ એર ચેનલ માટે રૂ. ૧૩૦ દરની મર્યાદા હતી અને ત્યાર બાદ વિવિધ ચેનલો માટેના અલગ અલગ પેકેજ હતા, પરંતુ નવા નિયમ પ્રમાણે રૂ. ૧૩૦માં અંદાજે ૨૦૦ ચેનલ જોવા મળશે તથા સ્વતંત્ર ચેનલના દરમાં પણ પ્રતિબંધો લગાવાયા છે, એમ ટ્રાયએ જણાવ્યું હતું.

(10:24 am IST)