Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

રાજ શેખાવત કરણી સેનાના પ્રમુખ નથી? : કરણી સેનામાં બે ફાંટા? : ૨૫મીએ ગુજરાત બંધ રહેશે કે નહીં? : લોકોમાં ભારે અસમંજસ...

એક પ્રમુખ રાજ શેખાવતે કહ્યું ૨૫મીએ બંધ નહીં રહે : બીજા અધ્યક્ષ અર્જુનસિંહે જણાવ્યું ૨૫મીના બંધનું એલાન પાછું ખેંચાયું નથી!

અંગત લાભ ખાતર રાજ શેખાવતે સમાજ નો કર્યો દૂરઉપયોગ - અર્જુનસિંહ

અમદાવાદઃ પદ્માવત ફિલ્મનો ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં જબરો વિરોધ થઇ રહ્યો છે અને તારીખ ૨૫મીએ ભારત બંધ-જનતા કર્ફ્યુનું એલાન અપાયું છે ત્યારે  વિરોધ પ્રદર્શન કરતી કરણી સેનામાં બે  ફાંટા પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે. એક બાજુ કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજ શેખાવતે ગુજરાત સરકાર સાથે, ગુજરાત કરણી સેનાના પ્રમુખ તરીકે, મંત્રના કર્યા પછી મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ૨૫મીએ ગુજરાત બંધ નહીં રહે તો બીજી તરફ અન્ય એક કરણી સેનાના અધ્યક્ષ અર્જુનસિંહે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, કરણીસેના દ્વારા બંધનું એલાન પાછુ ખેંચાયું નથી. બંધ યથાવત છે. રાજ શેખાવત કરણીસેનાના પ્રમુખ નથી.  તેમને કોઇ આગેવાની આપવામાં આવી નથી.

કરણી સેનાના અધ્યક્ષ અર્જુનસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે પોતાના અંગત લાભ ખાતર રાજ શેખાવતે સમાજ નો દૂરઉપયોગ અને વિશ્વાસઘાત કર્યો છે. અર્જુનસિંહે બંધનું એલાન યથાવત હોવાનું કહીને જણાવ્યું હતું કે રાજ શેખાવત રેડફોકસ સિક્યુરીટીના સંચાલક  હોય, 'શુ મલટીપ્લેક્સ' સિનેમામાં પ્રોટેકશન આપવા પોતાના અંગત સ્વાર્થ ખાતર સરકાર સાથે બેસી ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સ્તરની અને રાજપૂત સમાજ-કરણીસેનાની બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મંત્રી પ્રદીપસિંહ જાડેજા મંત્રી જયદ્રથસિંહ પરમાર, જી.આઇ.ડી.સી.ના ચેરમેન બલવંતસિંહ રાજપૂત અને કરણીસેનાના તેમજ રાજપૂત સમાજના આગેવાનો વચ્ચે પદ્માવત ફિલ્મને લઇ ઉભી થયેલી સ્થિતિ તેમજ બંધ શાંતિપૂર્ણ રહે તે માટે બેઠક યોજાઇ હતી.

રાજ શેખાવતે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત બંધ નહીં રહે. થિયેટર માલિકોનો આભાર માન્યો હતો. સાથો સાથ એમ પણ જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં થયેલ હિંસામાં કોઇ કરણીસેનાના લોકો ન હતા. રાજપૂત આંદોલન પાછળ કાવતરૂં ચાલી રહ્યું છે.  ત્યારે અર્જુનસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આપવામાં આવેલ નિવેદનને લઇ રાજપૂત સમાજ સહિત સમગ્ર રાજ્યમાં ચર્ચા જાગી છે અને લોકો અસમંજસમાં પડી ગયા છે કે ૨૫મીએ ખરેખર બંધનું એલાન છે કે નહી?

(9:30 am IST)