Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

૨૦૧૯ સુધીમાં બની જશે ભારત - મ્યાનમાર - થાઇલેન્ડ હાઇવે

નીતિન ગડકરીએ કરી જાહેરાત

નવી દિલ્હી તા. ૨૪ : ભારતથી થાઈલેન્ડ સુધીનો હાઈવે બનાવવા માટે હાથ ધરાયેલા ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ ત્રિપક્ષીય આંતરરાષ્ટ્રીય હાઈવે પ્રોજેકટનું કામ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી શકયતા છે. રોડ તથા ટ્રાન્સપોર્ટેશનના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે આ વાતની જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છે કે ૨૬ જાન્યુઆરીએ રિપબ્લિક ડે નિમિત્તે આસિયાન દેશના વડાઓ ભાગ લઈ રહ્યા છે. આવામાં આસિયાન દેશોના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે.

નીતિન ગડકરીએ જણાવ્યું કે અત્યારે ત્રણે દેશ મળીને ૧૪૦૦ કિલોમીટર લાંબા હાઈવે પર કામ કરી રહ્યા છે. દક્ષિણ એશયાઈ દેશ થાઈલેન્ડને સડકમાર્ગથી જોડ્યા બાદ ત્રણે દેશ વચ્ચે વેપાર, કારોબાર, હેલ્થ, એજયુકેશન તથા ટૂરિઝમ ક્ષેત્રે સંબંધો વિકસાવી શકાશે. ગડકરીએ જણાવ્યું કે આ હાઈવેનું કામકાજ ૨૦૧૯ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્રણેય દેશો આ પ્રોજેકટને પ્રાથમિકતા આપી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે આ હાઈવે ત્રણેય દેશોના ટ્રાફિક માટે ખુલ્લો હશે. સાત દાયકા પહેલા બીજા વિશ્વયુદ્ઘ દરમિયાન મ્યાનમારમાં ૭૩ પુલ બનાવવામાં આવ્યા હતા જેનુ હવે ભારતીય ફંડિંગની મદદથી સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ કામ ૧૮ મહિનામાં પૂર્ણ થઈ જશે. ત્યાર બાદ હાઈવેને ત્રણે દેશના લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે.

આ હાઈવે પૂર્વ વિસ્તારમાં મોરેહથી મ્યાનમારના તામુ શહેર સુધી જશે. આ ૧૪૦૦ કિલોમીટરના રોડનો વપરાશ કરવા માટે ત્રણે દેશ વચ્ચે સમજૂતી કરવાની વાત ચાલી રહી છે. આ હાઈવે થાઈલેન્ડના મેઈ સોત જિલ્લાના તાક સુધી જશે.

આ સાથે મ્યાનમારના દવેઈ પોર્ટને ચેન્નાઈ બંદર તથા થાઈલેન્ડના ચાબાંગ પોર્ટ સાથે જોડવામાં આવશે. હાલમાં ઈન્ડો એશિયા ટ્રેડ એગ્રીમેન્ટ મુજબ ભારત સેકટરમાં આર્થિક ભાગીદારીની સમજૂતી કરવા તૈયાર છે જેમાં ૧૦ દેશો શામેલ છે.

(4:15 pm IST)