Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

મહાકાલના મંદિર નીચેથી વધુ એક મંદિર મળી આવ્યું

મંદિરમાં ખોદકામમાં પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા :નિરિક્ષણ કરનારી પુરાત્વ વિભાગની ટીમે મળી આવેલા અવશેષો પરથી તે મંદિર ૧૦૦૦ વર્ષ જૂનું હોવાનું જણાવ્યું

ઉજ્જૈન, તા. ૨૩ : વર્ષો જુના મહાકાલ મંદિરમાં ખોદકામ દરમિયાન એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે. ત્યારબાદ ખોદકામ બંધ કરી દેવાયું હતું. કેન્દ્રીય પર્યટનમંત્રી પ્રહલાદ પટેલની સૂચનાથી પુરાતત્ત્વ વિભાગની ટીમ આજે ખોદકામ સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચી હતી. ટીમના સભ્યએ મીડિયાને જણાવ્યું કે તેને જોતા એવું લાગે છે કે મંદિર લગભગ ૧૦૦૦ વર્ષ જૂનું છે.

કેન્દ્રીય ટીમમાં ભોપાલના પુરાતત્ત્વીય સર્વે બોર્ડના અધિકારીઓ હતા. જેમાં ભોપાલના અધિક્ષક પુરાતત્ત્વવિદ ડૉ.પિયુષ ભટ્ટ અને ખજુરાહોના કે.કે. વર્મા શામેલ હતા. બંને અધિકારીઓએ ખોદકામ સ્થળની નજીકથી નિરીક્ષણ કર્યું છે. તે પછી વાસ્તવિક અહેવાલ તૈયાર કરવામાં આવશે. એક અધિકારીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તે કોતરણી જોતા દસમી અને અગિયારમી સદીના મંદિર જેવું લાગે છે. હવે વધુ ખોદકામ કાળજીપૂર્વક કરવું પડશે. આ પછી નવા ઈતિહાસ વિશે જાણ થશે. ખોદકામ પછી મળેલા આ પ્રાચીન મંદિરના અંત વિશે કોઈ માહિતી મળી નથી. અત્યારે ફક્ત અવશેષો જ દેખાઈ રહ્યા છે. આ સ્થિતિમાં મંદિર ક્યાં સુધી છે તે કહેવું મુશ્કેલ બનશે. તેથી, નિષ્ણાતોની ટીમ દરેક વસ્તુ પર નજર રાખી રહી છે. તે પછી જ કોઈને આ વિસ્તારના ઐતિહાસિક મહત્વ વિશે માહિતી મળશે. જો કે કેટલાક નિષ્ણાતોનો પણ મત છે કે અવશેષો પર કોતરણી પરમારકાલિન લાગે છે. તે ૧૦૦૦ વર્ષ જૂનું હોઈ શકે છે.

ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે. ગુરુવારે મુખ્ય દરવાજા પાસે ખોદકામ શરૂ થયું. સતી માતા મંદિરની પાછળ પત્થરની શિલાઓ જોવા મળી હતી. આ પછી કામ અટકાવી દેવાયું હતું. શુક્રવારે સવારે શિલાઓ આજુબાજુ સાવચેતીપૂર્વક ખોદકામ કરવામાં આવ્યું ત્યારે મંદિરની રચના જોવા મળી. સ્થળ પર, મંદિરના શિખરના ભાગો દેખાય છે. આજુબાજુ કોઈ વધુ ખોદકામ કરવામાં આવ્યું નથી.

(8:56 pm IST)