Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ જૈશના નેટવર્કને ધ્વસ્થ કર્યું

સીઆરપીએફ-પોલીસની મદદથી ઓપરેશન પાર : જવાનો દ્વારા ત્રાસવાદીઓની મદદ કરનાર છ શખ્સો જબ્બે, નેટવર્ક ગ્રેનેડ હુમલાની ઘટનામાં પણ સામેલ હતું

શ્રીનગર, તા. ૨૩ : જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં લશ્કરે સીઆરપીએફ અને પોલીસની મદદથી જૈશ-એ-મોહમ્મદના એક નેટવર્કને ધ્વસ્ત કરી દીધું છે. જવાનોએ આતંકવાદીઓની મદદ કરનાર છ શખ્સોને પણ પકડી પાડ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ નેટવર્ક ત્રાલ અને સંગમ વિસ્તારમાં થયેલા ગ્રેનેડ હુમલાની ઘટનામાં પણ સામેલ હતું. આતંકવાદીઓને મદદરૂપ થનાર છ શખ્સો પાકિસ્તાન સ્થિત તેમના આકાઓના સંપર્કમાં હતા. પોલીસે વધુમાં જણાવ્યું કે આ છ મદદકર્તાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે તાજેતરમાં જ સુરક્ષા દળો પર હેન્ડ ગ્રેનેડથી હુનલો કર્યો હતો. પોલીસે આતંકીઓને મદદ કરતા આ સાગરીતો પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ કબ્જે કરી છે. આ તમામ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

ગત મહિને પોલીસે અવંતીપોરા વિસ્તારમાંથી બે લોકોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલા શખ્સો જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ સાથે સંકળાયેલા હતા. ધપરકડ કરાયેલા શખ્સોની ઓળખ ત્રાલના બિલાલ અહેમદ ચોપાન અને ચતલામ પમ્પોરનો રહેવાસી મુર્સલીન બશીર શેખ હોવાની થઈ હતી.

પોલીસને મતે પકડાયેલા લોકો આતંકવાદીઓની મદદ કરતા હતા. આ લોકો આતંકવાદીઓ સાથે સંપર્કમાં રહેતા હતા અને તેમને આશ્રય સ્થાન તેમજ હથિયારો પુરા પાડતા હતા.

(8:43 pm IST)