Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કાયદામાં કોઈ સુધારા માન્ય નથી, લેખિત પ્રસ્તાવ મૂકો

કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોની સરકારને વાત : આંદોલનકારી ખેડૂતોના આગેવાનોની બેઠક થઈ, કાયદા કોર્પોરેટ જગતને ખેતીમાં ઘૂસાડવાના કાવતરાનો આરોપ

નવી દિલ્હી, તા. ૨૩ : કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોના આગેવાનોએ આજે બેઠક યોજી હતી. ખેડૂત આગેવાનોએ નિર્ણય લીધો હતો કે તેઓ સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે અને સરકાર તેઓ સમક્ષ લેખિત પ્રસ્તાવને રજૂ કરે. ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધુ હતું કે તેઓ કૃષિ કાયદામાં કોઇ પ્રકારના સુધારાને માન્ય રાખશે નહીં.

ખેડૂત આગેવાનોએ લાંબી બેઠક પછી મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ હતું કે સરકાર આ મુદ્દાને ખેંચવાનો પ્રયત્ન કરી રહી છે. નવા કાયદા કોર્પોરેટ જગતને ખેતી ક્ષેત્રમાં ઘૂસાડવાનું કાવતરુ છે.

ખેડૂત આગેવાનોએ નક્કી કર્યું હતું કે તેમના તરફથી સરકારને પત્રનો જવાબ આપવામાં આવશે. કીર્તિ કિસાન યુનિયનના ઉપ અધ્યક્ષ અને આગેવાનનું કહેવુ હતું કે અમારા તરફથી સરકાર સાથે વાતચીત માટે કોઇ તારીખ નક્કીકરાઇ નથી, સરકારને બે દિવસમાં લેખિત જવાબ મોકલવામાં આવશે.

નોંધનીય છે કે ૨૮ દિવસથી પંજાબ, હરિયાણા, યુપી અને અન્ય રાજ્યોના ખેડૂતો કેન્દ્ર સરકારના નવા લાવેલા ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરવા દિલ્હીની અલગ-અલગ બોર્ડર આંદોલન કરી રહ્યા છે. તેઓ સરકાર સમક્ષ એક જ માંગ ઉઠાવી રહ્યા છે કે સરકાર આ કાયદાઓ પાછા ખેંચી લે. આ સિવાય તેઓ અન્ય કોઇપણ નિરાકરણ માટે તૈયાર નથી. બીજી તરફ સરકાર પણ સ્પષ્ટ કરી ચૂકી છે કે, નવા કૃષિ કાયદાઓમાં સુધારણાની સંભાવના છે પરંતુ તેને રદ કરવાની કોઇ શક્યતા નથી.

(8:39 pm IST)