Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને પરિવારની પોલીસ દ્વારા પૂછપરછ નહીં થઇ શકે

રશિયાના રાષ્ટ્રપતિએ ખાસ કાયદો પસાર કર્યો : રશિયામાં આ બિલ રાષ્ટ્રપતિઓને પદથી હટાવ્યા બાદ પણ આજીવન તેમની સામેના કેસોમાં તેમનું રક્ષણ કરશે

મોસ્કો, તા. ૨૩ : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને એવો કાયદો પસાર કર્યો છે જેને પગલે તે તમામ કાયદાથી ઉપર ગણાશે. આ બિલ રાષ્ટ્રપતિઓને પદથી હટાવ્યા બાદ પણ આજીવન તેમની સામે ગુનાહિત કેસોમાં તેમનું રક્ષણ કરશે. નવા કાયદા અંતર્ગત રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સાથે તેમના પરિવારના લોકો પણ પોલીસ તપાસ અને પૂછપરછના દાયરામાં આવશે નહીં. કાયદા દ્વારા હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પદ છોડ્યા પછી પણ આજીવન સેનેટર રહેશે અને તેમને તમામ ગુનાહિત કેસમાં રક્ષણ પ્રાપ્ત થશે.

નવો કાયદો પૂર્વ રાષ્ટ્રપતિ તેમજ તેમના પરિવારનો પોલીસ અથવા એજન્સીઓની પૂછપરછ, તપાસ તેમજ ધરપકડ સામે કલચ પુરું પાડશે. આ કાયદો ચાલુ વર્ષે ઉનાળામાં હાથ ધરાયેલા જનમત સંગ્રહ બાદ કરાયેલા બંધારણીય સંશોધનનો હિસ્સો છે જેની હેઠળ પુતિન ૨૦૩૬ સુધી દેશના રાષ્ટ્રપતિ પદે સત્તારૂઢ રહી શકે છે. આ કાયદા અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિઓને તેમના કાર્યકાળ દરમિયાન દાખલ થયેલા ગુનાહિત કેસોમાં છૂટકારો મળી શકતો હતો. પુતિન વર્ષ ૨૦૦૦થી રશિયાના રાષ્ટ્રપતિ પદે છે.

નવા કાયદા હેઠળ દેશદ્રોહ અથવા અન્ય ગંભીર ગુનાના આરોપો અને સુપ્રીમ તેમજ બંધારણીય કોર્ટ દ્વારા આરોપો પુરવાર થાય છે તેવા કિસ્સામાં પૂર્વ રાષ્ટ્રપતિને મળેલી આ પ્રતિરક્ષા છીનવાઈ શકે છે, પરંતુ તેની પ્રક્રિયા ઘણી જટિલ બનાવી દેવામાં આવી છે. મંગળવારે પુતિને જે બિલ પર હસ્તાક્ષર કર્યા છે તે પૂર્વ રાષ્ટ્રપતિને ફેડરેશન કાઉન્સિલ અથવા સેનેટમાં આજીવન સભ્યપદ આપે છે. આ એવું પદ છે કે જે રાષ્ટ્રપતિ પદ પરથી ઉતર્યા બાદ પણ વ્યક્તિને ગુનાહિત કેસોમાં રક્ષણ આપે છે. ગત સપ્તાહે આ બિલમાં વિલંબ થતા એવી અટકળો વહેતી થઈ હતી કે નાદુરસ્ત તબિયતને પગલે પુતિન રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી શકે છે. જો કે ક્રેમલિને આ અટકળોને પાયાવિહોણી ગણાવી હતી.

(7:46 pm IST)