Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ચાલુ ફ્લાઈટે બે યાત્રી ગેટ ખોલી બહાર નીકળી ગયા

અમેરિકાની ચોંકાવનારી ઘટના : ડેલ્ટા એરલાઈન્સનું વિમાન ઊડાન ભરવા રન-વે તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે બે શખ્સે ઈમર્જન્સી ગેટ ખોલ્યો

ન્યૂ યોર્ક, તા. ૨૩ : અમેરિકામાં ચાલુ ફ્લાઇટનો દરવાજો ખોલીને બે પેસેન્જર બહાર નીકળી ગયા હોવાની ઘટના સામે આવી છે. ડેલ્ટા એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિમાન જ્યારે ઉડાન ભરવા માટે રન વે તરફ આગળ વધી રહ્યુ હતું, ત્યારે બે લોકો વિમાનનું ઇમરજન્સી ગેટ ખોલીને સ્લાઇડર એક્ટિવેટ કરી બહાર નીકળી ગયા હતા.

પોલીસે ઇમરજન્સી ગેટ ખોલનારા એન્ટોનિયો મર્ડોક પર ગુનાહિત ગતિવિધિ અને ખતરો ઉભો કરવાના આરોપ લગાવ્યા હતા. જ્યારે મહિલા મુસાફર પર અનધિકાર પ્રવેશના આરોપ લગાવવામાં આવ્યા હતા. પોલીસે આ બન્ને સામે કેસ દાખલ કર્યો હતો.

ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર, ન્યૂયોર્કથી એટલાન્ટા માટે ઉડાન ભરવા જઇ રહેલી ફ્લાઇટમાં આ ઘટના બની હતી.  ૩૧ વર્ષીય એન્ટોનિયો મર્ડોક અને ૨૩ વર્ષીય બ્રિઅના ગ્રેસો સાથે એક કૂતરું પણ ફ્લાઇટમાંથી બહાર નીકળ્યો હતો. પોલીસે બન્ને મુસાફરોની ધરપકડ કરી હતી.

વિમાનમાંથી બહાર નીકળનાર બન્ને મુસાફર ફ્લોરિડાના છે. વિમાનનું ઇમરજન્સી ગેટ ખોલીને બહાર નીકળતા પહેલા આ બન્ને મુસાફરોએ કેટલીક વખત પ્લેનમાં સીટ્સ પણ બદલી હતી. રિપોર્ટ અનુસાર, એન્ટોનિયા મર્ડોકે દાવો કર્યો હતો કે તે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનો સામનો કરી રહ્યો છે. આ ઘટના બાદ તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને બીજી ફ્લાઇટમાં મોકલવામાં આવ્યા હતા.

(7:46 pm IST)