Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

લવ જેહાદ સામેની ઝૂંબેશમાં યુપી પોલીસનો ૧૧ સામે કેસ

યુપીમાં ધર્માતંરણ સામેના નવા કાયદા હેઠળ કાર્યવાહી : છની ધરપકડ : જે લોકોને પકડી શકાયા નથી તેમને શોધવા માટે પોલીસ દ્વારા ૨૫,૦૦૦નું ઇનામ પણ જાહેર કરાયું

લખનઉ, તા. ૨૩ : ઉત્તરપ્રદેશના નવા કાયદા અનલોફુલ કન્વર્ઝન હેઠળ નોંધાયેલા એક નવા કેસમાં યુપી પોલીસે ૨૫ વર્ષના જાવેદ અને તેના ૧૦ નજીકના સંબંધીઓ સહિત કુલ ૧૧ લોકો સામે કેસ નોંધ્યો છે તથા છ લોકોની ધરપકડ કરી છે અને પોલીસ જાવેદ સહિત અન્ય પાંચને શોધી રહી છે. લવ જેહાદ સામેની ઝુંબેશ તરીકે ઓળખાતા આ કાયદા હેઠળ જે લોકોને પકડી શકાયા નથી તેમને શોધવા માટે પોલીસ દ્વારા રૂ. ૨૫,૦૦૦નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ઇટાહ જિલ્લાની પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જિલ્લાના જાલેસર શહેરમાં એક ૨૧ વર્ષની યુવતીના પિતાએ એફઆઈઆર નોંધાવીને આક્ષેપ કર્યો હતો કે તેમની પુત્રીનું એક મુસ્લિમ પુરુષે અને તેના સંબંધીઓએ અપહરણ કર્યું છે અને ધર્મપરિવર્તન અને લગ્નનો ઉદ્દેશ છે. પોલીસે નિવેદનમાં જણાવ્યું હતું કે યુવતી ૧૭ નવેમ્બરે સ્થાનિક બજારમાં ખરીદી માટે ગઈ હતી ત્યારથી ગુમ છે. યુવતીના પિતાએ ૨૫ નવેમ્બરે સ્થાનિક પોલીસમાં પુત્રી ગુમ હોવાનો રિપોર્ટ પણ નોંધાવ્યો હતો.

ઇટાહ પોલીસે ટ્વિટ પણ કર્યું હતું કે જાલેસરમાં એક યુવતીના અપહરણ અને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તનને સંબંધિત એક કેસમાં વધારે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં છ લોકોને જેલમાં મોકલવામાં આવ્યા છે. પાંચ લાપતા લોકોને પકડવા માટે રૂ. ૨૫,૦૦૦નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

જોકે પોલીસે હજુ સુધી યુવતી ગુમ થઇ હોવાના રિપોર્ટ અને અનલોફુલ કન્વર્ઝન હેઠળ નોંધાયેલા કેસ વચ્ચે જે એક મહિનાનો ગાળો છે એ બાબતની સ્પષ્ટતા કરી નથી. આ પહેલાં ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા લવ જેહાદના આરોપસર બે કેસ નોધાયા હતા પરંતુ અલાહાબાદ હાઇકોર્ટે આરોપી યુવાનોને મુક્ત કરવાનો આદેશ આપી તેમની સામેના લવ જેહાદના આરોપ ફગાવી દીધા હતા.

(7:43 pm IST)