Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કોવિશિલ્ડને આગામી સપ્તાહે ઉપયોગ માટે મંજૂરીની શક્યતા

કોરોના વાયરસની દેશી વેક્સિનને લઈને સારા સમાચાર : સરકારે સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા પાસેથી અનેક બીજા ડેટા માગ્યા હતા, જે કંપનીએ આપી દીધા હોઈ હવે દેશી વેક્સિનની મંજૂરીની સંભાવના

નવી દિલ્હી, તા. ૨૩ : કોરોના વેક્સિન અંગે ઝડપથી સારા સમાચાર મળે તેવી શકયતા છે. ઓક્સફોર્ડ -અસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવીશલ્ડના ભારતમાં ઈમરજન્સી યુઝ માટે આગામી સપ્તાહે મંજૂરી મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારે સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા પાસેથી કેટલાક બીજા ડેટા માંગ્યા હતા, જે કંપનીએ આપી દીધા છે. ભારતમાં ઓક્સફોર્ડ-અસ્ટ્રાજેનેકાની વેક્સિનનું મેન્યુફેકચરિંગ એસઆઈઆઈ કરી રહી છે.

જો સરકાર ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવીશિલ્ડને મંજુરી આપશે તો ભારત આ વેક્સિનનો ઉપયોગ કરનારો પહેલો દેશ બની જશે. આ સાથે જ કોવીશિલ્ડ ભારતની આ પહેલી વેક્સિન હશે, કારણ કે દુનિયામાં હજી સુધી કોઈ આ વેક્સિનને ઉપયોગમા લેવાની મંજુરી આપી નથી. પુણે ખાતે આવેલા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા સાથે મળીને ઓક્સફોર્ડ યૂનિઅર્સિટી દ્વારા વિકસીત વેક્સિન બનાવ્વવા માટે સમજુતી કરી છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાનો દાવો છે કે, તેની કોરોનાની રસી પરિક્ષણના છેલ્લા તબક્કામાં ૯૦ ટકા અસરકારક રહી છે.

બ્રિટિશ કંપની એસ્ટ્રાજેનેકાની વેક્સિનને મંજૂરી આપનાર ભારત પ્રથમ દેશ બની શકે છે. બ્રિટનમાં હાલ તેના ટ્રાયલના ડેટાની તપાસ ચાલી રહી છે. વેક્સિન બનાવવામાં ભારત વિશ્વનો સૌથી મોટો દેશ છે. સરકાર ઈચ્છે છે કે જાન્યુઆરીથી દેશના લોકોને વેક્સિન લગાવવાનું શરૂ થાય. તેના માટે ફાઈઝર અને ભારત બાયોટેકની વેક્સિનના ઈમરજન્સી યુઝને મંજૂરી પણ ઝડપથી મળી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૪ ડિસેમ્બરે કોરોના પર ઓલ પાર્ટી મીટિંગ બોલાવી હતી. બેઠક બાદ તેમણે કહ્યું હતું કે, આવનાર ગણતરીના સપ્તાહમાં જ કોરોનાની વેક્સિન તૈયાર થઈ જશે. આ રસી સૌથી પહેલા વૃદ્ધો અને હેલ્થ વર્કર્સને આપવામાં આવશે.

(7:41 pm IST)