Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ચાર લાખ રૂપિયા ભરેલી બેગ લૂટી ગયો વાંદરોઃ ઝાડ પર ચડી કરવા લાગ્યો નોટોનો વરસાદ

વાંદરાએ બેગમાંથી ૫૦૦ રૂપિયાથી થોકડી બહાર કાઢી તેને ફાડીને નીચે ફેંકવા લાગ્યોઃ વિડિયો વાયરલ

સીતાપુર, તા.૨૩: ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાં રજિસ્ટ્રેશન કરાવવા આવેલા એક વૃદ્ઘની રૂપિયાથી ભરેલી બેગ વાંદરો ઝૂંટવીને ભાગી ગયો. વાંદરો ત્યારબાદ ઝાડ પર ચડી ગયો અને બેગમાંથી નોટો કાઢીને નીચે ફેંકવા લાગ્યો. ઝાડ પરથી અચાનક ૫૦૦-૫૦૦ની નોટોનો વરસાદ થતો જોઈને ત્યાં અફરાતફરી મચી ગઈ. ત્યારે કેટલાક લોકો બૂમો પાડતાં ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે લોકોની સાચી દ્યટના વિશે માહિતી મળી.

લોકો વાંદરા પાસેથી રૂપિયાથી ભરેલી બેગ લેવાનો પ્રયાસ કરતા રહ્યા. આ દરમિયાન વાંદરાએ બેગમાં મૂકેલી નોટોની એક થોકડી કાઢી દીધી અને રૂપિયાને ફાડીને ઝાડથી નીચે ફેંકવા લાગ્યો. આ દરમિયાના વાંદરાએ લગભગ ૧૦થી ૧૨ હજાર રૂપિયા ફાડી દીધા. બેગમાં લગભગ ચાર લાખ રૂપિયા રોકડા હતા. લોકોના ઘણા પ્રયાસો બાદ વાંદરાએ રૂપિયાથી ભરેલી બેગ નીચે ફેંકી દીધી. ત્યારબાદ લોકોએ વૃદ્ઘ ભગવાનદીનને રૂપિયાથી ભરેલી બેગ પરત કરી દીધી.

કાસિમપુર નિવાસી ભગવાનદીન મંગળવારે વિકાસ ભવન સ્થિત રજિસ્ટ્રેશનની ઓફિસમાં પોતાની એક જમીનના વેચાણના દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાવવા આવ્યા હતા. જેમાં તેમને ૪ લાખ રૂપિયા મળ્યા હતા. જમીનના વેચાણ બાદ મેળેલા રૂપિયા લઈને ભગવાનદીન એક ઝાડ નીચે બેઠા હતા, ત્યારે વાંદરાનું ઝૂંડ ત્યાં પહોંચી ગયું. ભગવાનદીન કંઈ સમજે એ પહેલા જ એક વાંદરાએ બેગમાં ખાવાનું હોવાનું સમજીને તેને ઝૂંટવીને ઝાડ પર ચડી ગયો.

ભગવાનદીને બૂમાબૂમ કરતાં રજિસ્ટ્રેશન ઓફિસની બહાર એકત્ર થયેલા લોકો પણ બૂમાબૂમ કરવા લાગ્યા. આ દરમિયાન વાંદરાએ કોઈક રીતે બેગને ખોલી દીધી. આ સમયે વાંદરાના હાથમાંથી રૂપિયા ભરેલી બેગ નીચે પડી ગઈ પણ તેના હાથમાં ૫૦૦ રુપિયાની એક થોકડી રહી ગઈ.

ઝાડ પર બેઠેલા વાંદરાના હાથમાં ૫૦૦ રૂપિયાની નોટોની થોકડી હતી અને તે એક-એક કરીને નોટોને નીચે ફેંકતો રહ્યો. નીચે ઊભેલા લોકો ઝાડથી નીચે પડતી નોટોને વીણવા લાગ્યા. આ દરમિયાન પીડિત ભગવાનદીન લોકોને નોટો પરત કરવા આજીજી કરતો રહ્યો. બીજી તરફ વાંદરો લોકોએ બૂમો પાડતાં ગુસ્સે ભરાઈને નોટોને ફાડવા લાગ્યો. વાંદરાએ લગભગ ૧૨ હજાર રૂપિયાની નોટો ફાડી નાખી. લોકોએ બૂમાબૂમ કરતાં વાંદરાના હાથમાંથી નોટોની થોકડી નીચે પડી ગઈ, જેને લોકોએ ઉઠાવી લીધી અને ભગવાનદીનને સોંપી દીધી.

(3:41 pm IST)