Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

૨૧મી સુધીમાં કુલ ૩.૭૫ કરોડ કરદાતાઓએ રિટર્ન ભર્યુ

ગયા વર્ષ કરતા ૧૨ લાખ વધુ કરદાતાઓએ રિટર્ન ભર્યુ : ૩૧મી ડિસેમ્બર છેલ્લી તારીખ

નવી દિલ્હી તા. ૨૩ : મહામારીથી પ્રભાવિત નાણાકીય વર્ષમાં આયકર રિટર્ન દાખલ કરનારા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. આયકર વિભાગે જણાવ્યું છે કે, ૨૧ ડિસેમ્બર સુધી કુલ ૩.૭૫ કરોડ કરદાતાઓએ રિટર્ન ભર્યું છે. જે ગયા વર્ષ કરતા ૧૨ લાખ વધુ છે.

આયકર વિભાગનું કહેવું છે કે હાલ નાણાકીય ૨૦૧૯-૨૦ના રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ પૂરી થવામાં ૩૧ તારીખ સુધીનો સમય છે. એવામાં એવું અનુમાન છે કે આંકડો ૪ કરોડને પહોંચી જશે. આયકર વિભાગનું કહેવું છે કે જો તમે રિટર્ન ન ભર્યું હોય તો વહેલાસર ભરી દયો.

વિભાગના કહેવા મુજબ રિટર્ન ભરવાવાળા કુલ કરદાતાઓમાંથી ૨.૧૭ કરોડે આટીઆર ૧ ફોર્મ ભર્યું છે જ્યારે ૭૯.૮૨ લાખે આટીઆર-૪, ૪૩.૧૮ લાખે આટીઆર-૩ અને ૨૬.૫૬ લાખે આટીઆર-૨ ફોર્મ દાખલ કર્યું છે. વ્યકિતગત કરદાતાઓ માટે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર છે. એવા કરદાતા જેમના ખાતાનું ઓડિટ થવાની હોય તેમના માટે અંતિમ તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ છે.

સરકારે કોરોનાને કારણે રિટર્ન ભરવાની તારીખ ત્રણ વખત લંબાવી છે. સામાન્ય રીતે ૩૧ જુલાઇ અંતિમ તારીખ હોય છે જે અગાઉ પહેલા વધારીને ૩૧ ઓકટોબર અને પછી ૩૧ ડિસેમ્બર કરવામાં આવી હતી.

(10:09 am IST)