Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

એન્ટાર્કટિકા પણ પહોંચ્યો કોરોના

હવે દુનિયાનો એક પણ ખૂણો બાકી નહીં!

નવી દિલ્હી,તા. ૨૩: એન્ટાર્કટિકામાં ચિલીના સૈન્ય અને રિસર્ચ બેઝમાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે. આ સાથે જ વાયરસે દરેક મહાદ્વીપને પોતાની ઝપેટમાં લીધી છે. જનરલ બર્નાર્ડો ઓ હિંગિસ રિકલ્મે બેઝ પર ૩૬ લોકોને સોમવારે કોરોના પોઝિટિવ આવ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે ૨૭ નવેમ્બરમાં ચિલીથી અહીં આવેલી ડિલિવરી સાથે જ વાયરસની પણ એન્ટ્રી થઈ હતી.

કોરોના પોઝિટિવ લોકોમાં ૨૬ સૈન્યકર્મચારીઓ છે જયારે ૧૦ અન્ય કોન્ટ્રાકટરનો સમાવેશ થાય છે. જે સમારકામનું કામ કરે છે. ચિલીની સેનાનું કહેવું છે કે દરેક બીનજરુરી સ્ટાફને પરત બોલાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે બેઝ પર ૬૦ લોકો રહી શકે છે. જેમાં વૈજ્ઞાનિકોનો પણ સમાવેશ થાય છે. અહીં કુલ ૨૪ કોન્ટ્રાકટર્સ કામ કરી રહ્યાં છે.

અત્યાર સુધીમાં માત્ર એન્ટાર્કટિકા જ દુનિયાનો એવો ખૂણો હતો જયાં ઘાતક કોરોના વાયરસની એન્ટ્રી નહોતી થઈ. જે દુનિયાભરમાં ૮ કરોડ લોકોને પોતાનો શિકાર બનાવી ચૂકયો છે. આ મહામારીને જોતા પર્યટન સ્થળને પણ બંધ કરવામાં આવ્યા હતાં. ત્યાં સુધી કે આશરે ૭૦% બેઝ પણ બાકીની દુનિયાથી સંપર્કવિહોણા થઈ ગયા હતાં. જેથી દરેકનું કામ પણ રોકાયેલું છે.

દુનિયાભરમાં આશરે ૧૭ લાખથી વધારે લોકોના મોત થઈ ચૂકયા છે ત્યાં ચિલીમાં ૫૮૯,૧૮૯ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂકયાં છે. અહીં ૧૬૦૦૦થી વધારે લોકોના મોત થઈ ચૂકયા છે. વાયરસનો સામનો કરવા માટે દુનિયાભરની મોટી ફાર્મા કંપનીઓ વેકસીન બનાવવામાં લાગી છે અને અમેરિકા તેમજ બ્રિટનમાં ટ્રાયલની બહાર Pfizerની વેકસીન આપવાનું કામ પણ શરુ થઈ ચૂકયું છે. અમેરિકામાં Modernaની વેકસીન પણ આપવામાં આવી રહી છે.

(10:06 am IST)