Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા નહીં યોજાય : સરકાર

બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રાહત : માર્ચની તારીખો માટે સ્થિતિની ચકાસણી થશે, પરીક્ષાની તારીખો જલદી જાહેર થશે : કેન્દ્રીય શિક્ષણમંત્રીની ખાતરી

નવી દિલ્હી, તા. ૨૨ : બૉર્ડની પરીક્ષાઓની તૈયારીમાં લાગેલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. જાણકારી પ્રમાણે ઓછામાં ઓછું જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૧માં બૉર્ડની પરીક્ષાઓ નહીં થાય. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે આની જાહેરાત કરી. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે અત્યારની સ્થિતિમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીના મહિનામાં પરીક્ષાઓ કરાવવી સંભવ નથી. માર્ચની તારીખો માટે સ્થિતિને તપાસમાં આવી રહી છે, પરીક્ષાઓની તારીખો જલદી જાહેર કરી દેવામાં આવશે.

દેશભરના શિક્ષકો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આ જાહેરાત કરી. નિશંક પહેલા પણ કહી ચુક્યા છે કે વિદ્યાર્થીઓને બૉર્ડની પરીક્ષાઓની તૈયારીઓ માટે પર્યાપ્ત સમય આપવામાં આવશે. તેમણે ૧૦ ડિસેમ્બરના કહ્યું હતુ કે, પરીક્ષાઓ માર્ચમાં જ આયોજિત કરાવવાની કોઈ અનિવાર્યતા નથી. વાલીઓએ મે મહિના દરમિયાન બોર્ડ પરીક્ષાઓ યોજવાની માગ કરી છે. તો આ જ મહિનામાં નિશંકે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને પરીક્ષાની નવી પદ્ધતિના આધારે તૈયાર કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. માર્ચ મહિનામાં પરીક્ષા યોજવાની કોઈ અનિવાર્યતા નથી. કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પરીક્ષાની તારીખો નક્કી કરવામાં આવશે. પ્રેક્ટિકલ્સ પણ કોઈપણ પ્રવેશ પરીક્ષાની તારીખ પર રહેશે નહીં.

નિશંકે કહ્યું હતું કે સીબીએસઇએ ૨૦૨૧ની બોર્ડ પરીક્ષાઓ માટે અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કર્યો છે. ફેઈલ શબ્દને માર્કશીટ પરથી હટાવી દેવામાં આવ્યો છે, હવે તેમાં કોઈ ફેલ નહીં થાય. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈની પરીક્ષાઓ ઑનલાઇન રહેશે નહીં. ૨૦૨૧માં યોજાનારી આ પરીક્ષા વિદ્યાર્થીઓએ પહેલાની જેમ પેપર-પેનથી આપવાની રહેશે. સીબીએસઇના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે બોર્ડની પરીક્ષાઓ ઓનલાઈન કરાવવાની કોઈ દરખાસ્ત નથી. આ પરીક્ષાઓ અગાઉના વર્ષોની જેમ સામાન્ય લેખિત સ્વરૂપમાં લેવામાં આવશે. જો કે તેની તારીખ અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં બોર્ડની પરીક્ષાઓના આયોજનોને લઈને તમામ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. હજુ સુધી કોવિડના કારણે દેશભરમાં સંપૂર્ણ રીતે શાળા-કોલેજો શરૂ કરી શકાઈ નથી. બોર્ડની પરીક્ષાઓની નોંધણીથી લઈને વર્ગખંડની કામગીરી સુધીની તમામ કામગીરી વર્ચુઅલ અથવા ઑનલાઇન થઈ રહી છે. કોવિડ રોગચાળા વચ્ચે સરકારે સમયસર પરીક્ષા લેવા પહેલ કરી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રીનો પ્લાન હતો કે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે ત્રણ તબક્કાની વાતચીત કરવામાં આવે. નિશંક વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો સાથે વેબિનાર દ્વારા ત્રણ જુદી જુદી તારીખો પર સીધો સંવાદ કરી રહ્યા છે.

(12:00 am IST)