Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

રાહુલ ગાંધી હજુ આશાવાદી

ગુજરાતની જનતાએ દિલમાં જગ્યા બનાવી

નિષ્ક્રિય કાર્યકરો-આગેવાનો વિરૂધ્ધ કાર્યવાહી કરીશું

   રાહુલ ગાંધીએ કોંગ્રેસના તમામ સંનિષ્ઠ કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને નેતાઓએ વિધાનસભા ચૂંટણીમાં જુસ્સાથી કરેલી આકરી મહેનત બદલ પ્રશંસા કરી હતી અને તેમને આશ્વાસન આપ્યું હતું કે, આ ચૂંટણીમાં ૯૦ ટકા લોકોએ કોંગ્રેસ સાથે વફાદારીપૂર્વક મહેનત કરી પક્ષને જીતાડવામાં ભારે મહેનત કરી પરંતુ દસ ટકા લોકો એવા હતા કે, જેઓ પક્ષ સાથે ઉભા ના રહ્યા અને તેની અસર પરિણામો પર પડી. પરંતુ આવા તમામ નિષ્ક્રિય લોકો સામે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ ગુસ્સાથી નહી પણ પ્રેમથી કરીશું. તો બીજીબાજુ, જે લોકોએ સંગઠનમાં વફાદારી નિભાવી ચૂંટણી ટાણે આકરી મહેનત કરી છે તેવા કાર્યકરોથી માંડી આગેવાનો-નેતાઓને સંગઠનમાં આગળ વધારવામાં આવશે.

ભાજપ સામેની લડતમાં એક ઇંચ પાછા નહી હટવાનું

   કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો પૂરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રજાના મુદ્દાઓ માટે અને ભાજપ સામેની આપણી સત્ય અને પ્રેમની લડાઇ સતત ચાલુ રાખવાની છે અને તેમાંથી એક ઇંચ પણ પાછા નથી હટવાનું. ભાજપને આપણે દરેક તબક્કે ટક્કર આપવાની છે. તમે આ ચૂંટણીમાં સો ટકાને બદલે ૭૦ ટકા માની લીધું કે, આપણે જીતી શકીએ છીએ અને જુઓ પરિણામો તમારી સામે છે. તો તમે સો ટકા આત્મવિશ્વાસ જગાવો તો, આપણે નિશંકપણે ચૂંટણી જીતી શકીએ છીએ.

ગુજરાતની જનતાએ મારા દિલમાં જગ્યા બનાવી છે

        રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ મને બહુ પ્રેમ આપ્યો છે અને ગુજરાતની જનતાનો આ પ્રેમ હું જીંદગીભર નહી ભૂલી શકું. ગુજરાતની જનતાએ મારા દિલમાં જગ્યા બનાવી લીધી છે. ગુજરાતની જનતાએ મને ઘણું શીખવાડયું છે અને તે બદલ હું તમારા સૌનો આભારી છું.

(8:03 pm IST)