Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

પુત્રની અસ્થિ લઇને ઉપવાસ પર બેઠા ભાજપના સક્રિય કાર્યકર્તા : કહ્યુ- મને પણ ન્યાય નહીં મળે

મૃતકની માતા બીજેપી પાર્ટીમાં સભાપદે રહી ચૂક્યા છે :યુપીના બાંદા જિલ્લાનો બહુચર્ચિત અમન હત્યાકાંડ ફરી ગરમાયો

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાનો બહુચર્ચિત અમન હત્યાકાંડ મંગળવારે ફરી ગરમાયો છે. મૃતક અમનના માતા-પિતા પુત્રની અસ્થિ લઇને ઐતિહાકિસ અશોક લાટની નીચે ઉપવાસ પર બેઠા છે. પિતાએ દુખી મને કહ્યું કે, હું ત્યાં સુધી ઉપવાસ પર રહીશ, જ્યાં સુધી મારા પુત્રને ન્યાય નહીં મળે, પછી ભલે મારો જીવ જાય.

બાંદા બીજેપીના નેતા સંજય ત્રિપાઠીએ કહ્યું કે મારી પત્ની આ પાર્ટીમાં સભાપદે રહી ચૂકી છે અને હું પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છું. મારા પુત્રની દોઢ મહિના પહેલા હત્યા કરી દેવામાં આવી હતી. પરંતુ એના હત્યારાઓને જેલમાં મોકલવાને બદલે આખો કેસ દબાવવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના જ નેતાઓ મને ધમકી આપી રહ્યા છે કે નાટક ના કરો અને ચૂપ રહો, પરંતુ હવે હું ચૂપ નહીં રહું.

બીજેપીના સક્રિય કાર્યકર્તા અને મૃતકના પિતાએ દુખી મને કહ્યું કે, જ્યારે બીજેપી સરકારમાં પાર્ટીના કાર્યકર્તાને જ ન્યાય નથી મળી રહ્યો તો સામાન્ય લોકોને ન્યાય કેવી રીતે મળશે. હવે લોકતંત્ર ખતમ થઇ ગયું છે, કોઇને ન્યાય મળી રહ્યો નથી. એવામાં મને પણ ન્યાય મળવાની સંભાવના દેખાતી નથી. એમ છતાં પુત્રની આત્માની શાંતિ માટે હું અને મારી પત્ની સંઘર્ષ કરી રહ્યા છીએ. તેમણે આ હત્યાકાંડની સીબીઆઇ તપાસની માંગ કરી છે.

ઉપવાસના સ્થળે અન્ય પાર્ટીના નેતા હાજર છે અને આશ્વાસન આપી રહ્યા છે કે, તેમની પાર્ટી પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે દરેક સંઘર્ષમાં સાથે ઉભી રહેશે. અખિલેશ યાદવ પણ આ મામલા પર નજર રાખી રહ્યા છે.

કેસની સંપૂર્ણ વિગત મુજબ, બીજેપી કાર્યકર્તાનો 14 વર્ષનો પુત્ર અમનનો મૃતદેહ અહીંના એક ગામ પાસેથી વહેતી નદીને કિનારે મળી આવ્યો હતો. એ મિત્રો સાથે બર્થ-ડે પાર્ટી સામેલ થવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. એના પિતાએ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. પરંતુ પોલીસ કહી રહી છે કે એના પુત્રનું મોત નદીમાં ડૂબવાથી થયું હતું.

(10:45 pm IST)