Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

લગ્નમાં આખી રાત ઝઘડ્યા વર-વધૂ પક્ષ:મંગળફેરા પતાવી પહોંચ્યા પોલીસ સ્ટેશન:ત્યાંથી વિદાય લીધી

વર પક્ષે લગ્નવિધિ માટે બોલાવી તો લીધા પરંતુ કોઇપણ પ્રકારની સગવડ કરી નહીં આ મામલે સ્વાગતથી માંડીને સાત ફેરા પૂરા થાય ત્યાં સુધી બબાલ ચાલી

ભોપાલઃ દેશમાં લગ્નની શરું થયેલી સિઝન વચ્ચે અજીબ કિસ્સો સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં યોજાયેલા એક લગ્ન સમારોહમાં ભારે હંગામો થતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. લગ્નમાં આવેલા વધૂ પક્ષના લોકોએ આક્ષેપ મૂક્યો હતો કે, વર પક્ષે લગ્નવિધિ માટે બોલાવી તો લીધા પરંતુ કોઇપણ પ્રકારની સગવડ કરી નથી. આ મુદ્દે સ્વાગતથી માંડીને સાત ફેરા પૂરા થાય ત્યાં સુધી બબાલ ચાલી, એમાં પણ રાતે સૂવાની સગવડ ના મળતાં મામલો વધુ બિચક્યો હતો. જેના લીધે લગ્ન તોડવાની નોબત આવી ચૂકી હતી.

વર-વધૂ પક્ષ વચ્ચે આ મામલાએ એટલું ગંભીર રુપ લઇ લીધું હતું કે અંતે બંને પક્ષોએ પોલીસની મદદ લેવી પડી હતી. જોકે પોલીસે બંને પક્ષને સમજાવીને મામલો ઠંડો પાડ્યો હતો અને વર-વધૂને પોલીસ સ્ટેશનેથી વિદાય આપવામાં આવી હતી.

પ્રાપ્ય માહિતી મુજબ, વર પક્ષે વધૂ પક્ષના લોકોને નિમંત્રણ આપ્યું હતું. જેમાં વધૂ પક્ષના લોકો મુજબ મહેમાન ગતિએ 100થી 150 લોકો સાથે આવશે. પરંતુ જ્યારે લગ્ન સમારોહની શરુઆત થઇ ત્યારે વધૂ પક્ષે એમના સ્વાગતને લઇને વાંધો ઉઠાવ્યો હતો. જોકે સમાજના અગ્રણી લોકોએ વચ્ચે પડીને બંને પક્ષોને શાંત કર્યા અને લગ્ન વિધિને આગળ વધારી હતી. પરંતુ રાતે ભોજન સમારોહમાં પણ અગવડતાને લઇને વધૂ પક્ષે ફરી બબાલ કરી હતી. અહીં સુધી વધૂને તૈયાર કરવા માટે રુમ ના અપાતાં પણ વધૂના ભાઇએ ભારે હંગામો ઉભો કર્યો હતો. જોકે ગમેતેમ કરીને લગ્નની વિધિ પૂરી થયા પછી વધૂ પક્ષે મોડી રાતે આરામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી તો એમાં પણ વર પક્ષ તરફથી કોઇ સગવડ કરવામાં આવી નહોતી. આ જોઇને વધૂ પક્ષની ધીરજ તૂટી અને મામલાએ ગંભીર રુપ લીધું હતું. એ પછી રાતે જ બંને પક્ષ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને આમને સામને ફરિયાદ કરવાની માથાકૂટ કરી રહ્યા હતા.

આ દરમિયાન વધૂ પક્ષે દીકરી વિદાય કરવાની પણ ના પાડી દીધી હતી. જેમાં પોલીસે બંને પક્ષોના વડીલોને સામે બેસાડીને સમજાવ્યા કે લગ્ન વિધિ પૂરી થઇ ગઇ છે તો વધૂને વિદાય કરવામાં કેમ આનાકાની થઇ રહી છે. પોલીસના સમજાયે પણ બંને પક્ષો સમજ્યા નહીં ત્યારે પોલીસે કહવુ પડ્યું કે બંને પર ક્રોસ એફઆરઆઇ થશે. એ પછી બંને પક્ષોએ શાંત પડતાં મામલો રફેદફે કર્યો હતો.

(10:38 pm IST)