Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

સંસદ સત્રમાં પક્ષની રણનીતિ નક્કી કરવા માટે કોંગ્રેસની કાલે વ્યૂહાત્મક જૂથની બેઠક મળશે

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બેઠક: રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરી સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે

નવી દિલ્હી : કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત બાદ કોંગ્રેસ પોતાની રણનીતિમાં બદલાવ કર્યો  છે. સંસદના શિયાળુ સત્રમાં હંગામો કરવાને બદલે પાર્ટી ગૃહની કાર્યવાહીમાં ભાગ લેશે. કૃષિ કાયદો પાછો ખેંચવા માટેના બિલ પર ચર્ચા દરમિયાન પાર્ટી પોતાની વાત રાખવાનો પ્રયાસ કરશે  જેથી કરીને પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા તેમની વાત ગૃહના માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકાય.

સંસદ સત્રમાં પક્ષની રણનીતિ નક્કી કરવા માટે આવતીકાલે વ્યૂહાત્મક જૂથની બેઠક મળશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરી સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. બેઠકમાં સત્ર દરમિયાન વિપક્ષી એકતા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

સંસદના શિયાળુ સત્ર પહેલા કોંગ્રેસે મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે મહત્વના મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે શાસક પક્ષ વિવિધ મુદ્દાઓ ઉઠાવી રહ્યો છે. પાર્ટી મોંઘવારી મુદ્દે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રાજધાની દિલ્હીમાં એક મોટી રેલી કરવાની પણ તૈયારી કરી રહી છે.

પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ કોંગ્રેસ હેડક્વાર્ટરમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ટામેટાં 100 રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાઈ રહ્યા છે. ડુંગળીના ભાવ પણ વધી રહ્યા છે. એવું લાગે છે કે રસોડામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ખેરાએ કહ્યું કે મોટી મોટી વાતો કરનારા વિવિધ મુદ્દાઓ ઉઠાવીને ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવિક મુદ્દાઓ શાકભાજીના ભાવમાં વધારો, રાંધણ તેલના ભાવ અને પેટ્રોલ અને ડીઝલના ભાવ છે.

(10:14 pm IST)