Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

એસ્ટ્રલ અને રત્નમણી મેટલ્સ પર આઈટીનું મેગા ઓપરેશન

આવકવેરા ખાતાની કડક કાર્યવાહી : એસ્ટ્રલ પાઈપ્સના સંસ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર સંદિપ એન્જિનિયર, રત્નમણીના પ્રકાશ સંઘવીના ત્યાં તપાસ

નવી દિલ્હી, તા.૨૩ : આવકવેરા વિભાગે ગુજરાતના બે નામી ગ્રુપ્સ એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણી મેટલ્સ વિરૂદ્ધ મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગે અમદાવાદમાં એકસાથે ૨૫ જગ્યાઓએ રેડ પાડી છે અને અમદાવાદ, દિલ્હી, મુંબઈ જેવા અનેક શહેરોમાં તપાસ ચાલી રહી છે. આવકવેરા વિભાગે ૪૦ કરતા પણ વધારે સ્થળોએ છાપો માર્યો છે. 

આવકવેરા વિભાગના અધિકારીઓએ મંગળવારે સવારથી જ આ બંને દિગ્ગજ ગ્રુપ પર સપાટો બોલાવ્યો છે. એસ્ટ્રલ પાઈપ્સના સંસ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર સંદિપ એન્જિનિયરના ત્યાં તપાસ ચાલી રહી છે.

તે ઉપરાંત રત્નમણી મેટલ્સના ચેરમેન પ્રકાશ સંઘવીના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ બંને કંપનીના અન્ય ડાયરેક્ટર્સના ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે. 

ગુજરાત સિવાય અન્ય ૧૫ સ્થળોએ સર્વે અને સર્ચની કામગીરી ચાલી રહી છે. આવકવેરા વિભાગના ૧૫૦ કરતા પણ વધારે અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. આ બંને કંપની સાથે સંકળાયેલા મોટા માથાઓના માથે પણ તવાઈ બોલી છે. ત્યારે આ દરોડામાં મોટા પાયે બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા જણાઈ રહી છે.

(7:10 pm IST)