Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ટમેટાએ બનાવ્યો મોંઘવારીનો નવો રેકોર્ડ

ચેન્નાઈમાં ટમેટાની કિંમત ૧૬૦ રૂપિયા સુધી પહોંચી ગઈ

ટામેટાંના ભાવે સામાન્ય લોકોના રસોડાનું બજેટ બગાડયું: ઘણા શહેરોમાં ટામેટાના ભાવ ૧૦૦ રૂપિયાને પાર થયાઃ આંધ્ર, કર્ણાટકમાં પાક નિષ્ફળ જવાને કારણે ભાવ વધારો

 

ચેન્નાઇ, તા.૨૩: શાકભાજીમાં ખાસ કરીને ટામેટાંના ભાવમાં તાજેતરમાં જોરદાર વધારો થયો છે. શિયાળામાં ૨૦ રૂપિયાના ભાવ મળતા ટામેટાંનો ભાવ દ્યણા શહેરોમાં ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. ચેન્નાઈમાં તો ટામેટાંનો ભાવ ૧૬૦ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પૂરના કારણે પાક નિષ્ફળ જવાને કારણે ટામેટાના ભાવ આસમાને છે. ઓછી ઉપજ અને વધુ માંગ તેમજ વધતા પરિવહન ખર્ચને કારણે ટામેટાં 'લાલ' થઈ રહ્યા છે.

બેંગ્લોરમાં ટામેટાનો ભાવ ૧૧૦ રૂપિયા પ્રતિ કિલો અને ડુંગળીનો ભાવ ૬૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. એ જ રીતે મુંબઈમાં ડુંગળી ૬૦ રૂપિયા પ્રતિ કિલો અને ટામેટા ૮૦ રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે. દિલ્હીમાં પણ ટામેટાના ભાવ ૬૦-૯૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. શાકભાજીના જથ્થાબંધ વેપારીઓનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે શાકભાજીના ભાવમાં ભારે વધારો થયો છે.

ચેન્નાઈમાં ટામેટાની કિંમત ૧૬૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. સોમવારે શહેરના કોયમ્બેડુ હોલસેલ માર્કેટમાં ટામેટાંની દોઢ ગણી ઓછી આવક થઈ હતી. છેલ્લા ૧૫ દિવસમાં આ સૌથી ઓછી આવક છે. માંડવેલી, માયલાપોર અને નંદનમના છૂટક બજારમાં ટામેટા ૧૪૦થી ૧૬૦ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. એપ આધારિત ગ્રોસરી સ્ટાર્ટઅપ્સ ૧૨૦ રૂપિયામાં ટામેટાં વેચી રહ્યાં છે. ફેડરેશન ઓફ હોલસેલ વેજીટેબલ માર્કેટ એસોસિએશન કોયમ્બેડુના સેક્રેટરી એસ ચંદ્રને જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ટામેટા ઉગાડતા વિસ્તારો વરસાદને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયા છે. જેના કારણે પાકને નુકસાન થયું છે. અગાઉ ખેતરમાંથી ૫૦૦ રૂપિયામાં ૨૭ કિલો ટામેટા ખરીદવામાં આવતા હતા, જે હવે ૩૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. ટામેટાના ભાવ ભાગ્યે જ આ સ્તરે ગયા છે.

એક ગ્રાહકે જણાવ્યું કે ટામેટાની કિંમત પહેલા ૨૦-૩૦ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે ૧૦૦ રૂપિયાની ઉપર પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે જો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે તો દરેક વસ્તુ મોંદ્યી થઈ જશે. અન્ય એક ગ્રાહકે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે શાકભાજીના વધતા ભાવે રસોડાના બજેટને બગાડ્યું છે. તેનાથી બચવા માટે અમે શાકભાજીનો વપરાશ ઓછો કર્યો છે. આપણે ઓછા ખર્ચે શાકભાજી ખાઈએ છીએ. અમે બટાકા, કોબી અને અન્ય સસ્તા શાકભાજી ખરીદી રહ્યા છીએ. જયાં સુધી ટામેટાના ભાવ દ્યટશે નહીં ત્યાં સુધી અમે તેને ખાવાનું ટાળશું.

એક ગૃહિણીએ કહ્યું કે અમે કયારેય વિચાર્યું નથી કે ટામેટાં આપણી પહોંચની બહાર હશે. તેનો ભાવ ૨૦ થી ૩૦ રૂપિયા હતો પરંતુ વરસાદ બાદ તે ૮૦ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે. ટામેટાના ભાવ વધવાથી અમારું માસિક બજેટ ખોરવાઈ રહ્યું છે. અન્ય એક ગ્રાહકે કહ્યું કે શાકભાજી મોંદ્યા થઈ ગયા છે તેથી તે કઠોળનો આશરો લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે સરકારે શાકભાજીના ભાવ પર નિયંત્રણ રાખવું જોઈએ, નહીં તો લોકો શાકભાજી ખાવાનું છોડી દેશે.

(4:04 pm IST)