Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

બેન્કિંગ સિસ્ટમ ગમે ત્યારે ઠપ્પ થઈ જશેઃસંયુકત રાષ્ટ્ર સંઘની ચેતવણી

અફઘાનિસ્તાનમાં દેવું ચૂકવવામાં અસમર્થ નાગરિકો, ઓછી થાપણો અને રોકડની કમીને લીધે

કાબુલ,તા.૨૩: તાલિબાનની વાપસી પછીથી અફઘાનિસ્તાનના ખરાબ દિવસો શરુ થઈ ગયા છે. આતંકી હુમલા, ભૂખમરો, બેરોજગારી બાદ હવે અફઘાનિસ્તાન સામે મોટું સંકટ ઊભું છે. સંયુકત રાષ્ટ્ર સંઘના જણાવ્યા મુજબ, આ દેશની બેન્કિંગ સિસ્ટમ ગમે ત્યારે ઠપ થઈ શકે છે.

સંયુકત રાષ્ટ્રએ સોમવારે પોતાની એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, તાલિબાનના કબજા પછીથી અફઘાનિસ્તાનમાં બેન્કિંગ અને ફાઈનાન્શિયલ સિસ્ટમ ધ્વસ્ત થવાની કગાર પર પહોંચી ગઈ છે. એવામાં અફઘાનિસ્તાનની બેન્કોને પ્રોત્સાહન આપવા માટે તત્કાળ કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવે તે જરૂરી છે.

સંયુકત રાષ્ટ્ર સંઘે ચેતવણી આપી છે કે દેવું ચૂકવવામાં અસમર્થ નાગરિકો, ઓછી થાપણો અને રોકડની કમીને લીધે નાણાંકીય સિસ્ટમ કેટલાંક મહિનામાં ધ્વસ્ત થઈ શકે છે. રોઈટર્સની રિપોર્ટ મુજબ, અફઘાનિસ્તાનની બેન્કિંગ અને નાણાંકીય સિસ્ટમ પર ત્રણ પેજની રિપોર્ટમાં સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP)એ કહ્યું છે કે બેન્કિંગ સિસ્ટમના ધ્વસ્ત થવા પર તેને ફરી ઊભી કરવામાં લાગતો ખર્ચ અને તેની નકારાત્મક સામાજિક અસર બહુ ભયંકર હશે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના ઓગસ્ટમાં સત્તા સંભાળ્યા બાદ પેદા થયેલી અનિિ?તતાને લીધે અચાનક પાછળ હટેલા વિદેશી રોકાણે ત્યાંની અર્થવ્યવસ્થાને ફ્રીકોલમાં લઈ જવાનું કાર્ય કર્યું.

UNDPના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનની નાણાંકીય અને બેંક ચૂકવણી સિસ્ટમ પડી ભાંગી છે, અફઘાનિસ્તાનની મર્યાદિત ઉત્પાદન ક્ષમતાને સુધારવા અને બેંકિંગ સિસ્ટમને પડી ભાંગતી અટકાવવા બેંક દ્વારા સંચાલિત સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવો જોઈએ.ઁ તો અફઘાનિસ્તાનમાં યુએનડીપીના વડા અબ્દુલ્લા અલ-દરદારીએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું કે, 'આપણે એ ખાતરી કરવા માટે રસ્તો શોધવાની જરૂર છે કે જો આપણે બેંકિંગ ક્ષેત્રને સમર્થન આપીએ છીએ, તો આપણે તાલિબાનને સમર્થન નથી આપી રહ્યા.

તેમણે ઉમેર્યું કે, તાલિબાન સત્તામાં આવ્યા તે પહેલાં જ અફઘાનિસ્તાનની બેંકિંગ સિસ્ટમ નબળી હતી, પરંતુ જ્યારથી તેને મળતી વિદેશી નાણાકીય સહાય પૂરી થઈ ગઈ છે, સંયુકત રાષ્ટ્ર અને અન્ય સહાય જૂથો દેશમાં પૂરતી રોકડ લાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

(3:23 pm IST)