Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મુંબઈ હુમલા બાદ પાકિસ્તાન પર કાર્યવાહી ન કરી યુપીએ સરકારે નબળાઈ છતી કરેલઃમનિષ તિવારી

વધુ એક કોંગી નેતાનો પુસ્તક બોંબઃ ઘમાસાણના એંધાણ

નવી દિલ્હી,તા.૨૩: સલમાન ખુરશીદના પુસ્તક બાદ વધુ એક કોંગી નેતાના પુસ્તકના કારણે ઘમાસાણ મચવાના એંધાણ છે.

કોંગ્રેસના સિનિયર નેતા મનીષ તિવારીએ ૨૦૦૮માં મુંબઈ આતંકી હુમલા બાદ પાકિસ્તાન સામે કાર્યવાહી નહીં કરવા બદલ તે સમયની મનમોહન સરકાર પર નિશાન સાધ્યુ છે.

તિવારીએ પોતાના પુસ્તકમાં લખ્યુ છે કે, પાકિસ્તાન સામે કાર્યવાહી નહીં કરીને સરકારે પોતાની નબળાઈ પ્રદર્શીત કરી હતી.પાકિસ્તાન સામે તે સમયે આકરી કાર્યવાહી કરવાની જરુર હતી.કારણકે એકશન એ શબ્દો કરતા વધારે અસરકારક હોય છે.

તિવારીએ મુંબઈ હુમલાની તુલના અમેરિકાના ટ્વિન ટાવર પર થયેલા હુમલા સાથે કરીને કહ્યુ હતુ કે, ભારત સરકારે અમેરિકાની જેમ વળતી કાર્યવાહી કરવાની જરુર હતી.તિવારીના આ પુસ્તકનુ નામ ૧૦ ફ્લેશ પોઈન્ટ... ૨૦ યર્સ ....છે.

આ પહેલા પણ તિવારીએ કોંગ્રેસમાં કનૈયા કુમારની એન્ટ્રી પર અને પંજાબમાં અસ્થિરતા પર સવાલો ઉઠાવ્યા હતા.બીજી તરફ ભાજપના પ્રવકતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યુ છે કે, મનીષ તિવારીએ યુપીએ સરકારની કમજોરીની યોગ્ય રીતે જ ટીકા કરી છે. કારણ કે પૂર્વ એર ચીફ માર્શલ ફરી નરીમન પણ કહી ચુકયા છે કે, મુંબઈ હુમલા બાદ વાયુસેના કાર્યવાહી કરવા માંગતી હતી પણ યુપીએ સરકારે રોક લગાવી દીધી હતી.

(3:22 pm IST)