Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ઈન્ડોનેશિયામાં મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગની ફરી સમીક્ષા કરાશે

દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ વસતી વાળા દેશમાં સર્વોચ્ચ મુસ્લિમ કલેરિકલ કાઉન્સીલનો નિર્ણય : લોકો છેલ્લા કેટલાક દિવસોથી લાઉડ સ્પીકરના ઉપયોગને લઈને ફરિયાદો કરી રહ્યા છે

જકાર્તા,તા.૨૩: દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ વસતી ધરાવતા ઈન્ડોનેશિયામાં હવે મસ્જિદોમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર ફરી વિચારણા થવા જઈ રહી છે.

છેલ્લા કેટલાક દિવસોથી લોકો લાઉડ સ્પીકરના ઉપયોગને લઈને ફરિયાદો કરી રહ્યા હતા ત્યારે ઈન્ડોનેશિયાની સર્વોચ્ચ મુસ્લિમ કલેરિકલ કાઉન્સીલે મસ્જિદોમાં લાઉડ સ્પીકરના ઉપયોગ માટેના ધારા ધોરણોની ફરી સમીક્ષા કરવાનુ નક્કી કર્યુ છે.

ઈન્ડોનેશિયામાં ૨૭ કરોડ જેટલા લોકો રહે છે અને આ પૈકીના ૮૦ ટકા મુસ્લિમ છે. અહીંયા ૬.૨૫ લાખ જેટલી મસ્જિદો છે.દેશના ધાર્મિક મામલાના મંત્રાલયે ૧૯૮૭માં એક આદેશ આપ્યો હતો અને તે મસ્જિદોમાં લાઉડ સ્પીકરના ધારાધોરણ તરીકે ગણવામાં આવે છે.

જોકે હવે મુસ્લિમ કલેરિકલ કાઉન્સીલે કહ્યુ છે કે, મસ્જિદોમાં લાઉડ સ્પીકરના ઉપયોગ માટેની ગાઈડ લાઈન પર ફરી વિચારણા કરવામાં આવશે.આ દેશમાં મોટાભાગની મસ્જિદો અજાન માટે લાઉડ સ્પીકર વાપરે છે.જોકે ઘણી મસ્જિદોના લાઉડ સ્પીકરની ગુણવત્તા સારી નહી હોવાથી લોકો નોઈઝ પોલ્યુશનની ફરિયાદો કરવા માંડ્યા છે.

સરકારના પ્રવકતા માસડુકી બૈદલોવીએ એક મીડિયા સાથે વાચીતમાં કહ્યુ હતુ કે, મુસ્લિમ કલેરિકલ કાઉન્સીલે લોકોની ચિંતા પર ધ્યાન આપ્યુ છે અને અમને લાગે છે કે, જે ગાઈડલાઈનો પહેલા અપાઈ છે તેનુ યોગ્ય રીતે પાલન નથી થઈ રહ્યુ.

ધાર્મિક મામલાના મંત્રી યાકુત ચોલિલ કુમાસે પણ કહ્યુ છે કે, મસ્જિદોમાં લાઉડસ્પીકરોનો ઉપયોગ વધારે સાવધાની સાથે અને વિવેકપૂર્ણ રીતે થવો જોઈએ.મુસ્લિમ કાઉન્સિલ ફતવા કમીશનના સેક્રેટરી મિફાતાહુલનુ કહેવુ છે કે, લાઉડ સ્પીકરનો યોગ્ય ઉપયોગ કરવો જરુરી છે.આ માટે મનમાની નહીં કરી શકાય.

(3:20 pm IST)