Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

કોરોના બાદ નવી ફંગસનો હાહાકારઃ કોઈ દવાની અસર ન થતા ડોકટર્સ પણ સ્તબ્ધ : બે ના મોત

દિલ્હી એમ્સના ડોકટર્સે બે દર્દીમાં એસ્પરજિલિયસ લેન્ટુલસ નામના પેથોજન હોવાની પુષ્ટિ કરીઃ સરકાર માટે ચિંતા વધી : એસ્પરજિલિયસ લેન્ટુલસ એક એવી પ્રજાતિ છે જે ફેફસાને સંક્રમિત કરે છેઃ ૨૦૦૫માં પહેલીવાર તેની ઓળખ થયેલ

નવી દિલ્હી, તા.૨૩: દેશની રાજધાની દિલ્હીમાં બ્લેક અને વ્હાઈટ ફંગસ બાદ એક નવા પ્રકારની ફંગસથી થતા મોત સરકાર માટે ચિંતાનું કારણ બની રહ્યા છે. આ એક એવી ફંગસ છે જેના પર કોઈ પણ પ્રકારની દવા અસર કરી રહી નથી. એમ્સના ડોકટર્સે બે દર્દીમાં એસ્પરજિલિયસ લેન્ટુલસ નામના પેથોજન હોવાની પુષ્ટિ કરી છે. સારવાર દરમિયાન બંને દર્દીના મોત થઈ ગયા.

એસ્પરજિલિયસ લેન્ટુલસ એક એવી પ્રજાતિ છે જે ફેફસાને સંક્રમિત કરે છે. વર્ષ ૨૦૦૫માં પહેલીવાર તેની ઓળખ કરાઈ હતી અને અત્યાર સુધીમાં એનેક દેશોમાં તેના સંક્રમણના કેસ સામે આવી ચૂક્યા છે. જો કે ડોકટર્સનું કહેવું છે કે ભારતમાં આ ફંગસના સંક્રમણના પહેલીવાર કેસ જોવા મળ્યા છે.

ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ માઈક્રોબાયોલોજી (IJMM) માં છપાયેલા કેસ રિપોર્ટ મુજબ એક દર્દીની ઉંમર ૫૦થી ૬૦ વર્ષ વચ્ચે હતી, જ્યારે બીજા દર્દીની ઉંમર ૪૫ વર્ષથી ઓછી હતી અને બંને ક્રોનિક ઓબ્સ્ટ્રકિટવ પલ્મોનરી ડિસિઝ (COPD) થી પીડિત હતા.

રિપોર્ટ મુજબ પહેલા દર્દીની સારવાર પ્રાઈવેટ હોસ્પિટલમાં ચાલતી હતી, પરંતુ સુધારો નહીં થયા બાદ એમ્સ(AIIMS) રેફર કરાયા. જ્યાં દર્દીને Amphotericin B અને ઓરલ Voriconazole ઈન્જેકશન અપાયા પરંતુ કોઈ ફાયદો થયો નહીં. એક મહિના સુધી સારવાર બાદ પણ તબીયતમાં સુધારો થયો નહીં અને દર્દીનું મોત નિપજ્યું.

જ્યારે બીજા દર્દીને તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ બાદ એમ્સના ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યો. જેને Amphotericin B અપાયું પરંતુ કોઈ ફાયદો થયો નહીં અને અઠવાડિયા બાદ મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે મોત થઈ ગયા.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના સેન્ટરને હેડ કરનારા ડો. અરુણલોક ચક્રવર્તી કહે છે કે, લગભગ એક દાયકા પહેલા સુધી ફંગની ૨૦૦થી ૩૦૦ જેટલી પ્રજાતિઓ અસ્તિત્વમાં હતી, જે બીમાર કરતી હતી. હવે ફંગસની ૭૦૦થી વધુ એવી પ્રજાતિઓ છે, જે માણસોને બીમાર કરે છે અને અનેક દવાઓની પણ અસર થતી નથી. અત્રે જણાવવાનું કે અરુણલોક ચક્રવર્તી PCI ચંડીગઢમાં મેડિકલ માઈક્રોબાયોલોજીના પ્રમુખ છે અને ફંગલ ઈન્ફેકશન્સના જોખમને લઈને ગત ૩૭ વર્ષથી અવાજ ઉઠાવી રહ્યા છે.

ફંગલ ઈન્ફેકશન એવી બીમારીઓને કહેવાય છે જે ફંગલથી થાય છે. ફંગલ એક પ્રકારના નાના ઓર્ગેનિઝમ્સ હોય છે જે પર્યાવરણમાં મળી આવે છે. દાદર કે નખમાં થતા સંક્રમણ જેવા ફંગલ ઈન્ફેકશનના મોટાભાગના કેસમાં સરળતાથી સારવાર થઈ જાય છે પરંતુ કેટલાક સંક્રમણ ખુબ ઘાતક હોય છે. જેમાં કેન્ડિડા કે એસ્પરજિલિયસ ફંગસથી થનારા ઈન્ફેકશન પણ સામેલ છે. ફંગલ ઈન્ફેકશનના કારણે દુનિયાભરમાં દર વર્ષે ૧૫ લાખથી વધુ લોકો પોતાના જીવ ગુમાવે છે.

(2:26 pm IST)