Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

વર્ષ ૨૦૧૪ બાદથી આપણે અમેરિકાના ગુલામ બની ગયા છીએ

કંગના બાદ હવે કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્‍યરે આઝાદી અંગે આપ્‍યું નિવેદન

નવી દિલ્‍હી તા. ૨૩ : બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત બાદ હવે કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્‍યરે દેશની આઝાદીને લઈને વિવાદિત નિવેદન આપ્‍યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઐય્‍યરે ઈન્‍ડો-રશિયા ફ્રેન્‍ડશીપ સોસાયટીના એક કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે વર્ષ ૨૦૧૪ બાદથી આપણે અમેરિકાના ગુલામ બની ગયા છે.
મણિશંકર ઐય્‍યરે કહ્યું કે ગત સાત વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે આપણે અમેરિકાના ગુલામ બની બેઠા છીએ. પોતાની સ્‍પીચમાં ઐય્‍યરે ભારત-રશિયા સંબંધોનો હવાલો આપતા પોતાના નિવેદનને યોગ્‍ય ઠેરવવાની કોશિશ કરી.
પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ઐય્‍યરે એમ પણ કહ્યું કે, ‘અમેરિકા સાથે તણાવ થયો પરંતુ મોસ્‍કો સાથે અમારા સંબંધ ક્‍યારેય આ પ્રકારે તણાવવાળા નહતા. તેમણે કહ્યું કે જયારથી ભાજપની સરકાર આવી છે ત્‍યારથી હાલાત એકદમ બદલાઈ ગયા છે.'
કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્‍યરે કહ્યું કે ‘છેલ્લા ૭ વર્ષમાં અમે જોયું કે જૂથનિરપેક્ષતાની તો વાત જ નથી થતી. શાંતિની વાત પણ નથી થતી. અમેરિકનોના ગુલામ બની બેઠા છીએ અને તેઓ કહે છે કે ચીનથી બચો. અમે કહીએ છીએ કે ચીનની સૌથી નજીકના મિત્ર તો તમે જ છો. ભારત અને રશિયા વચ્‍ચેના સંબંધ વર્ષો જૂના છે, પરંતુ જયારથી મોદી સરકાર આવી છે આ સંબંધ નબળો પડ્‍યો છે. ૨૦૧૪ સુધી રશિયા સાથે આપણા જે સંબંધ હતા તે ઘણા ઓછા થઈ ગયા છે. તેમાં ઘણા ઘા પડ્‍યા છે.'
કોંગ્રેસ નેતાએ કહ્યું કે ‘રશિયા હંમેશા આપણી પડખે રહ્યું છે. પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ તથા ઈન્‍દિરા ગાંધીના પ્રયત્‍નોથી રશિયા સાથે આપણા સંબંધો દરેક પ્રકારે મજબૂત થયા. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ઈન્‍દિરા તો રશિયન નામ બની ગયું હતું. અનેક છોકરીઓના નામ ઈન્‍દિરા રાખવામાં આવ્‍યા હતા અને ઉઝ્‍બેકિસ્‍તાનમાં સૌથી વધુ એવું જોવા મળ્‍યું.' તેમણે કહ્યું કે ‘સ્‍વતંત્રતાના આઠ વર્ષ બાદ વર્ષ ૧૯૫૫થી સતત ભારત અને રશિયા વચ્‍ચેના સંબંધોમાં પ્રગતિ થતી રહી પરંતુ છેલ્લા સાત વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે આપણે અમેરિકનોના ગુલામ બની બેઠા છીએ.'


 

(10:58 am IST)