Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

કોરોના વિરૂધ્‍ધ જંગમાં ભારત અગ્રેસર : આજે ૫૩૬ દિવસમાં સૌથી ઓછા નોંધાયા કેસ

છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૬ લોકોના મોત : ૭,૫૭૯ નવા કોવિડ-૧૯ કેસ : વર્ષ ૨૦૧૯થી અત્‍યાર સુધીમાં વિશ્વમાં ૨૫.૮૧ કરોડ લોકો કોરોના મહામારીની ઝપટમાં આવી ચૂક્‍યા છે : આ દરમિયાન વાયરસથી સંક્રમિત ૫૧.૫ લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્‍યો છે

નવી દિલ્‍હી તા. ૨૩ : વર્ષ ૨૦૧૯ થી અત્‍યાર સુધીમાં વિશ્વમાં ૨૫.૮૧ કરોડ લોકો કોરોના મહામારીની ઝપટમાં આવી ચુક્‍યા છે. આ દરમિયાન વાયરસથી સંક્રમિત ૫૧.૫ લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્‍યો છે. વૈશ્વિક મહામારી સામે ચાલી રહેલા રસીકરણ અભિયાન દરમિયાન, વિશ્વમાં ૭.૪૨ અબજથી વધુ રસીકરણ કરવામાં આવ્‍યું છે. મંગળવારે જોન્‍સ હોપકિન્‍સ યુનિવર્સિટીનાં સેન્‍ટર ફોર સિસ્‍ટમ્‍સ સાયન્‍સ એન્‍ડ એન્‍જિનિયરિંગ (CSSE) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હાલમાં કોરોનાનાં વૈશ્વિક કેસ ૨૫૮,૧૭૨,૭૩૫ પર પહોંચી ગયા છે. જયારે મૃત્‍યુઆંક વધીને ૫,૧૫૮,૬૪૨ અને રસીકરણની કુલ સંખ્‍યા અનુક્રમે ૭,૪૨૩,૨૧૪,૫૨૯ થઈ ગઈ છે.
કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭,૫૭૯ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે, જે ૫૪૩ દિવસમાં સૌથી ઓછા છે. આ સાથે, ભારતનો સક્રિય કેસલોડ ૧,૧૩,૫૮૪ છે, જે ૫૩૬ દિવસમાં સૌથી ઓછો છે. આ સાથે, છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૬ લોકોનાં મોત સાથે, મૃત્‍યુઆંક ૪,૬૬,૧૪૭ પર પહોંચી ગયો છે. વળી, આ મહામારીમાંથી ૧૨,૨૦૨ લોકો સાજા થવા સાથે, કુલ રિકવરી ૩,૩૯,૪૬,૭૪૯ પર પહોંચી ગઈ છે. દેશનાં સક્રિય કેસ કુલ કેસનાં ૧ ટકા કરતા ઓછા છે અને તે હાલમાં ૦.૩૩ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી નીચો છે. ભારતમાં અત્‍યાર સુધીમાં ૧૧૭ કરોડથી વધુ કોવિડ રસીનાં ડોઝ આપવામાં આવ્‍યા છે. આ સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં ૯,૬૪,૯૮૦ લોકોના કોરોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે.
આરોગ્‍ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોવિડ-૧૯ રસીનાં ડોઝની કુલ સંખ્‍યા ૧૧૭ કરોડને વટાવી ગઈ છે. તેમાં કહેવામાં આવ્‍યું છે કે સોમવારે સાંજે ૭ વાગ્‍યા સુધી, લાભાર્થીઓને રસીનાં ૬૩ લાખ (૬૩,૯૮,૧૬૫) થી વધુ ડોઝ આપવામાં આવ્‍યા હતા. નવા કોરોના વાયરસના સંક્રમણમાં દૈનિક વધારો સતત ૪૬ દિવસથી ૨૦,૦૦૦ ની નીચે રહ્યો છે અને સતત ૧૪૯ દિવસથી દૈનિક ૫૦,૦૦૦ થી ઓછા નવા કેસ નોંધાયા છે.

 

(10:57 am IST)