Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

આસારામની જામીન અરજીની જોધપુર કોર્ટમાં જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં સુનવણી થશે

આસારામે તેની ઉંમરની દલીલ કરતાં કોર્ટમાં સુનાવણીની અપીલ કરી: સુનાવણીની અરજી જોધપુર કોર્ટે સ્વીકારી

યૌન શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામ બાપુની જામીન અરજીની સુનાવણીની અરજી જોધપુર કોર્ટે સ્વીકારી લીધી છે. જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં આસારામની અરજી પર સુનાવણી થશે. આસારમે તેની ઉંમરની દલીલ કરતાં કોર્ટમાં સુનાવણીની અપીલ કરી હતી.

જસ્ટીસ સંદીપ મહેતા અને રામેશ્વરલાલ વ્યાસની ખંડપીઠે આસારામની અરજી સ્વીકારી લીધી છે. આસારમે જણાવ્યું હતું કે તે 80 વર્ષનો વૃદ્ધ છે અને વર્ષ 2013થી જેલમાં બંધ છે. આસારમે કોર્ટને જણાવ્યું હતું કે તેની અપીલ પર જલદી સુનાવણી થવી જોઈએ. આસારામની અરજી વરિષ્ઠ વકીલ જગમલ ચૌધરી અને પ્રદીપ ચૌધરીએ રજૂ કરી હતી

 

 અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં એક સગીર યુવતીએ જોધપુર નજીક મનાઈ આશ્રમમાં આસારામ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. 31 ઓગસ્ટ 2013ના રોજ આસારામની મધ્યપ્રદેશના ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. આસારામ પર પોસ્કો, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, બળાત્કાર, ગુનાહિત કાવતરું અને અન્ય ઘણા કેસ નોંધાયા છે.

વર્ષ 2014માં સુપ્રિમ કોર્ટમાં આસારમે જામીન અરજી કરી હતી, જેને કોર્ટે નકારી દીધી હતી. એપ્રિલ 2018માં જોધપુર સ્પેશિયલ કોર્ટે આસારામને સગીર બાળકી સાથે બળાત્કાર બદલ દોષી ઠેરવ્યો હતો. કોર્ટે આસારામને આજીવન કેદની સજા (મૃત્યુ સુધી) અને પોક્સો એક્ટ હેઠળ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

 તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના એ વચગાળાના આદેશ વિરુદ્ધ દાખલ કરેલી અરજીને નકારી દીધી હતી, જેમાં હાર્પર કૉલિન્સની પુસ્તક ‘ગનિંગ ફોર ધ ગૉડમેન’ના પ્રકાશનની મંજૂરી આપી હતી. આ પુસ્તક આસારામ બાપુ (Asaram Bapu) સામેના ગુના પર આધારિત છે.

(12:13 am IST)