Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

આકાશી ખજાનાથી કરોડપતિ નહીં, છેતરાયાનો અહેસાસ

યુવકને સાડા ૪ અબજ વર્ષ જૂનો ઉલ્કાપિંડ મળ્યો હતો : જોશુઆને ૧૪ કરોડ નહીં ૧૦ લાખ રૂપિયા મળ્યા હતા

જાકાર્તા, તા. ૨૩ : સાડા ચાર અબજ જૂનો ઉલ્કાપિંડ મેળવીને સમગ્ર વિશ્વમાં ચર્ચામાં આવેલા ઈન્ડોનેશિયાના વ્યક્તિએ કહ્યું છે કે તે કરોડપતિ થયો નથી અને તે છેતરાયો હોવાનું અનુભવી રહ્યો છે. ઈન્ડોનેશિયાનો જોશુઆ હુતાગલુંગ શબપેટી બનાવવાનું કામ કરે છે અને તેના ઘરમાં એક દિવસ ઉલ્કાપિંડ પડ્યો હતો. અગાઉ મીડિયામાં અહેવાલ હતા કે આ ઉલ્કાપિંડના બદલે જોશુઆને અંદાજીત ૧૪ કરોડ રૂપિયા મળ્યા હતા. જોશુઆએ જણાવ્યું હતું કે તે ઉલ્કાપિંડના તેને કરોડો રૂપિયા નહીં પરંતુ ફક્ત ૧૦ લાખ રૂપિયા જ મળ્યા હતા.

જોશુઆએ જણાવ્યું હતું કે તેણે આ ઉલ્કાપિંડને ફક્ત ૧૪ હજાર ડોલર એટલે કે અંદાજીત ૧૦ લાખ રૂપિયામાં વેચ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આટલી કિંમતમાં ઉલ્કાપિંડ વેચીને તે છેતરાઈ ગયો હોવાનું અનુભવી રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે તેના બધા રૂપિયા પોતાના પરિવારની મદદ, ગરીબોની મદદ અને એક ચર્ચના નિર્માણમાં ખર્ચ થઈ ગયા છે. હાલમાં આ ઉલ્કાપિંડને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં રાખવામાં આવ્યો છે.

જ્યારે જોશુઆને ઉલ્કાપિંડ મળ્યો ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે તેણે આ ઉલ્કાપિંડ ૧૪ કરોડ રૂપિયામાં વેચ્યો હતો. ઈ-બે પર તેની હરાજીની જાહેર ખબર પોસ્ટ કરવામાં આવી હતી. એરિઝોના યુનિવર્સિટીના એક પ્રોફેસર લોરેન્સ ગર્વીએ જણાવ્યું હતું કે એવા ઘણા અહેવાલો આવ્યા હતા. લોકોને અંતરિક્ષમાંથી પડેલો એક ટૂકડો મળે છે અને તેઓ તેને કિંમતી માની લે છે. તેમણે કહ્યું કે ૮૦ ટકા ઉલ્કાપિંડ નકામા હોય છે.

ઉલ્કાપિંડ પડ્યો તે સમયે જોશુઆ ઉત્તર સુમાત્રાના કોલાંગમાં પોતાના ઘરની બાજુમાં કામ કરી રહ્યો હતો. આકાશમાંથી પડેલા આ પથ્થરનું વજન ૨.૧ કિલો જેટલું હતું. ઉલ્કાપિંડ પડવાથી તેના ઘરના ધાબામાં મોટુ કાણુ પડી ગયું હતું. એટલું જ નહીં ઉલ્કાપિંડ જમીનની અંદર ૧૫ સેન્ટિમીટર જતો રહ્યો હતો. જોશુઆએ જણાવ્યું હતું કે તેણે ઉલ્કાપિંડને જમીનમાંથી નીકાળ્યો ત્યારે તે ગરમ હતો અને આશિંક રીતે તૂટેલો હતો. જોશુઆએ જણાવ્યું હતું કે ઉલ્કાપિંડ પડવાનો અવાજ એટલો મોટો હતો કે તેના ઘરના ઘણા ભાગ હલી ગયા હતા. જ્યારે મેં છતને તૂટેલી જોઈ હતી ત્યારે મને શંકા ગઈ હતી કે આ ચોક્કસથી તે જ પથ્થર હશે જે આકાશમાંથી પડે છે જેને ઘણા લોકો ઉલ્કાપિંડ કહે છે. આવું એટલા માટે હતું કેમ કે મારી છત પર પથ્થર ફેંકવો લગભગ અશક્ય છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે તેમણે મોટો ધડાકાનો અવાજ સાંભળ્યો હતો અને તેમના ઘર પણ હલી ગયા હતા.

(9:25 pm IST)
  • દિલ્હીની બે બજારો બંધ કરી દેવાઈ : પશ્ચિમ દિલ્હીના બે બજારો જનતા માર્કેટ અને પંજાબી બસ્તી બાઝારને ૩૦મી સુધી બંધ કરી દીધા છે : અહિં નિયમોનું ઉલ્લંઘન અને ભારે ભીડ સર્જાતી હતી : કોરોનાએ અહિં રાડ બોલાવી દીધી છે access_time 11:32 am IST

  • મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જામતી ઠંડીઃ કાલથી ચેન્નાઈમાં ધમધોકાર વરસાદ : મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, નાસિક, મહાબલેશ્વર સહિતના સ્થળોએ રાત્રીના અને વ્હેલી સવારે હવે ઠંડી જામતી જશે : વિશ્વ પ્રસિદ્ધ મહાબળેશ્વરમાં તો ૧૧-૧૨ ડિગ્રી જેવું ઠંડુ ઉ.માન થઈ જશે : ચેન્નાઈમાં આવતીકાલથી ૨૪-૨૫ બે દિવસ ધમધોકાર વરસાદ પડશે : ૨૫મીએ ૪ ઈંચથી પણ વધુ ભારે વરસાદ ખાબકવાની આગાહી થઈ છે : કાલે અને પરમદિવસે, મંગળ-બુધવારે જોરદાર પવન ફૂંકાશે : દિલ્હીનું હવામાન સવારનું ૧૧ ડિગ્રી અને દિવસનું ૨૪ ડિગ્રી આસપાસ રહેશે access_time 11:31 am IST

  • અમદાવાદમાં માસ્ક વગર ફરતાં ૨૫૬ લોકોના કોરોના ટેસ્ટ કરાયાઃ ૯ ને પોઝીટીવ : અમદાવાદ શહેરમાં આજે સવારથી કર્ફયુ ખુલતાની સાથે જ લોકો રસ્તાઓ ઉપર નિકળી પડયા હતાઃ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા આજે ૨૫૬ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાઃ જેમાં ૯ લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતાઃ જેમાંથી ૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાઃ નેગેટીવ આવેલા લોકોને એક- એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો access_time 4:18 pm IST