Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

આકાશવાણી હવે થંભી રહી છે

પ્રસાર ભારતીએ રેડિયો પ્રસારણ સેવાઓને 'ઓપરેટીંગ સ્ટેશન' અને 'કોન્ટ્રીબ્યુટીંગ સ્ટેશન'માં વિભાજન કરશે

'૨૨૮.૩ મીટર્સ એટલે કે, ૧૩૧૪ કિલોહર્ટઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે....' આવી ઉદ્ઘોષણા હવે રેડિયો પરથી કયારેય સાંભળવા નહીં મળે. તાજેતરમાં જ 'પ્રસારભારતી' એ દેશના ૯૦ રેડિયો સ્ટેશન બંધ કરવાનો આદેશ આપ્યો છે. ગોરખપુરનું સ્ટેશન બંધ થયાની માહિતી હમણાં જ જાહેર થઈ છે. ગુજરાત માંથી હાલ આકાશવાણી ભુજ કેન્દ્ર બંધ કરવાના ઉપલી સત્તા દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે. આ આદેશના પગલે ૫૫ વર્ષથી ધમધમતા ભુજ રેડિયોનો અવાજ કાયમને માટે બંધ થઈ ગયો છે. અનેક કલાકારો, સાહિત્યકારો, રેડિયો રસિકો માટે આઘાતના આ સમાચાર બાદ હવેથી મીડિયમ વેવ ટ્રાન્સમિશન ભૂતકાળ બની જશે. ભારત-પાકિસ્તાન વચ્ચે એપ્રિલ, ૧૯૬૫માં ખેલાયેલા યુદ્ઘ બાદ સીમાવર્તી ક્ષેત્રના મહત્ત્વને ધ્યાનમાં લઈને ભુજને અપાયેલું આકાશવાણી કેન્દ્ર છીનવી લેવાયું છે. યુદ્ઘમાં હાર્યા વિના, પૂરમાં તણાયા વગર કે ભૂકંપમાં ભાંગ્યા વિના સત્યાપિત સમાચારો લોકો સુધી ઘેર બેઠા પહોંચાડવાની સેવા કરનાર ભુજ રેડિયોએ અનેક કલાકારોને ઓળખ આપી છે. પ્રસાર ભારતીએ રેડિયો પ્રસારણ સેવાઓને 'ઓપરેટિંગ સ્ટેશન' અને 'કોન્ટ્રીબ્યુટિંગ સ્ટેશન' એમ બે પ્રકારમાં વિભાજિત કરતાં ભુજ સ્ટેશને હવે કોન્ટ્રીબ્યુટિંગ સ્ટેશન તરીકે દરરોજ માત્ર અડધા કે એક કલાકની સામગ્રી ઈન્ટરનેટના માધ્યમથી અમદાવાદ કેન્દ્રને આપવાની રહેશે. આંચકારૂપ નિર્ણય બાદ ટ્રાન્સમિશન બંધ જ થઈ જશે. મતલબ કે ભુજ કેન્દ્ર સ્વતંત્ર રીતે કોઈ પણ કાર્યક્રમ બનાવીને કે કોઈ સમાચારનું પ્રસારણ હવેથી કરી શકાશે નહીં.

આકાશવાણીના ભુજ કેન્દ્રમાં અત્યારે પ્રોગ્રામ વિભાગમાં પાંચનો સ્ટાફ છે, જેમાંથી માત્ર એક કે બે સ્ટાફને રાખી બાકીના સ્ટાફની અમદાવાદ બદલી કરી દેવાશે. ઈલેકટ્રોનિક મીડિયાના આક્રમણ વચ્ચે 'રાંકના રતન' રેડિયોની લોકપ્રિયતાને લૂણો લાગવા માંડયો છે. વધુમાં 'રેવેન્યૂ જનરેશન' એટલે કે, 'આવક રળી આપવા'ના મોરચે રેડિયો સમયની સાથે આગળ વધી નહીં શકતાં કમાણી વગર લાંબો સમય ચલાવવું મુશ્કેલ હોવાની ચર્ચા પણ લાંબા સમયથી ચાલતી જ હતી. પ્રસાર ભારતી બોર્ડ થયું ત્યારથી જ રેડિયોની અવગણના થવા માંડી હતી. 'ઉપર'થી ગ્રાન્ટ રૂપે પૂરતું ભંડોળ નહીં મળવા સાથે રેડિયોની ઈલેકટ્રોનિક ચેનલો જેમ કમાણી પણ થતી નહોતી. સત્તાધીશો, સરકારે રેડિયોને ટકાવવા માટે કોઈ પ્રયાસ જ કર્યા નહીં હોવાની પણ અભ્યાસુ રેડિયો પ્રેમીઓમાં રાવ છે. રોજગારીના દાવાઓ વચ્ચે ભારે આશ્ચર્યજનક હકીકત એ છે કે, છેલ્લા ૨૫ વર્ષ જેટલા લાંબા સમયથી ભરતી જ કરાઈ નથી કે TRP જેમ રેડિયોના શ્રોતાઓના મત, સંખ્યાના સર્વે જેવી કોઈ કવાયત પણ કદી કરાઈ નથી. ઉપરાંત, ગુજરાતમાં અમદાવાદ કેન્દ્ર ચાલુ રાખીને ભુજની સાથોસાથ બીજા કેન્દ્રો પણ બંધ કરવાની વાત વહેતી થઈ છે, કોઈ પણ કલાકાર માટે 'આકાશવાણી માન્ય' હોવું ગૌરવની વાત ગણાય છે. કચ્છી કલા, હસ્તકલા, લોકસંગીત, લોકજીવન, કચ્છી ભાષાની સેવા સતત કરનાર ભુજ રેડિયોનો અવાજ સદા માટે બંધ કરી દેવાતાં એક મોટા સમુદાયને ભારે આઘાત લાગશે.'

(3:34 pm IST)
  • અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ પ્રોજેક્‍ટના ડેપ્‍યુટી જનરલ મેનેજર કે.વી.નાયરનું કોરોના ઇન્‍ફેક્‍શનને લીધે મૃત્‍યુ થયું access_time 5:12 pm IST

  • ડ્રગ્સ કેસમાં પકડાયેલ સુપ્રસિદ્ધ કોમેડીયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લીંબાસીયાને મુંબઈની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે જામીન ઉપર છોડવા હુકમ કર્યો છે access_time 4:03 pm IST

  • માસ્ક નહિ પહેરો તો આવશે ઘરે ઈ મેમો: સુરત મહાનગર પાલિકા હવે સીસીટીવી કેમેરાના આધારે વાહન ચાલકો પર નજર રાખશે. બાઇક ચાલક કે પાછળ બેઠેલા વ્યક્તિ એ માસ્ક નહિ પહેર્યું હોય તો ઘરે 1000 નો મેમો આવશે access_time 12:31 am IST