Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ફેબ્રુઆરી સુધીમાં કડાકાના એંધાણ

સોનાનો ભાવ ૫,૦૦૦ રૂપિયા સુધી ઘટી શકે છે

ઓગસ્ટ મહિનાના રેકોર્ડ બ્રેક ભાવની સરખામણીમાં હાલમાં સોનાની કિંમતોમાં ૬,૦૦૦ રૂપિયા સુધીનો કડાકો બોલ્યો છે

નવી દિલ્હી, તા.૨૩: આ વર્ષે માર્ચ મહિનાથી સમગ્ર વિશ્વ કોરોનાની ઝપટમાં આવી ગયું છે. આ સ્થિતિમાં સૌને સોનું સુરક્ષિત રોકાણ જેવું લાગી રહ્યું છે. જેના કારણે સોનામાં ખૂબ રોકાણ થઈ રહ્યું છે. અમેરિકામાં કોવિડ-૧૯ના વેકિસનના સમાચારોના કારણે સોનાની કિંમતોમાં કડાકો બોલી રહ્યો છે. ગોલ્ડ ઇટીએફમાં પણ રોકાણકારોને રસ પડી રહ્યો નથી. ઓગસ્ટના રેકોર્ડબ્રેક ભાવ કરતાં હાલમાં સોનાનો એક તોલાનો ભાવ ૬,૦૦૦ રૂપિયા ઓછો છે.

 કોરોનાની પ્રભાવશાળી રસીના સમાચાર સાંભળતાની સાથે જ સોનાની બજારમાં કડાકો બોલ્યો છે. સોનાના એક તોલા ભાવમાં રૂપિયા ૧,૦૦૦ સુધીનો કડાકો બોલ્યો છે. એકસ્પર્ટના મતે હજુ પણ સોનાના ભાવ ગગડશે. એક અંદાજ મુજબ નવા વર્ષ સુધીમાં હાલની કિંમત કરતાં સોનાના ભાવમાં રૂપિયા ૫,૦૦૦નો કડાકો બોલી શકે છે.  અમેરિકાની દવા બનાવતી કંપની ફાઇઝરે દાવો કર્યો છે કે તેમની કોરોનાની રસી ત્રીજા તબક્કામાં ૯૫ ટકા જેટલી અસરકારક સાબિત થઈ છે. અમેરિકામાં અન્ય એક કંપની માઙ્ખર્ડનાનો દાવો છે કે તેમની વેકિસન ૯૪.૫્રુ જેટલી કારગર નીવડી છે. આ ઉપરાંત સીરમ ઇન્સ્ટિટ્યૂટે પણ ભારતમાં આગામી સમયમાં રસી ઉપલબ્ધ થાય તેવો દાવો કર્યો છે. ઓકસફોર્ડ યૂનિવર્સિટીએ કહ્યું છે કે તેમની રસી ૯૦% સુધી કારગર છે. સીરમ ઓકસફોર્ડના વેકિસન પ્રોજેકટમાં ભાગીદાર છે. આ તમામ બાબતો સોનાના ભાવમાં ઘટાડાનું મુખ્ય પરિબળ છે.

 એસકોર્ટ સિકયોરિટીના રિસર્ટ હેડ આસિફ ઇકબાલે જણાવ્યું કે કોરોના વેકિસન સાથે જોડાયેલા સારા સમાચારો બાદ સોનાની કિમંતમાં ઘટાડો આવ્યો છે. તેમનું કહેવું છે કે આગામી સમયમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જો વેકિસન નવા વર્ષે લોન્ચ થઈ જાય તો સોનાના ભાવ ઘટી શકે છે. આગામી સમયમાં વાયદા બજારમાં સોનાનો ભાવ ૪૫,૦૦૦ સુધી થઈ શકે છે

 આસિફે વધુમાં જણાવ્યું કે શોર્ટ ટર્મમાં સોનાનો ભાવ તૂટે તેવી વકી છે. જો કોરોનાની રસી સમયસર બજારમાં આવી અને હાલના પ્રોજેકશન સાચા ઠરે તો સોનાની કિંમત ૪૮,૦૦૦ રૂપિયાથી તૂટવાની શરૂ થઈ શકે છે અને તેનાથી વધુ પણ નીચે જઈ શકે છે.

(3:30 pm IST)