Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ગુજરાત સહિત ૪ રાજયો સામે સુપ્રિમની લાલઆંખઃ ડિસેમ્બર મહિનામાં સ્થિતિ વણસી શકે છે

કોરોનાને રોકવા શું પગલા લીધા? આપો સ્ટેટસ રીપોર્ટઃ ગુજરાત- દિલ્હી- મહારાષ્ટ્ર- આસામને આદેશઃ સ્થિતિ ખરાબ છે છતાં લગ્ન સહિત લોકોને ભેગા થવાની છુટ આપો છો? કાઢી ઝાટકણી

નવી દિલ્હી, તા.૨૩: કોરોના સંક્રમણ કેટલી ઝડપથી વધી રહ્યું છે અને તે કેટલુ ઘાતક બની શકે છે તેનો અંદાજ સુપ્રિમ કોર્ટની ટીપ્પણીથી લગાવી શકાય છે. કોર્ટે કહ્યું છે કે જો રાજયો તૈયાર નહિ રહે તો ડીસેમ્બરમાં હાલત ખરાબ થશે.

દેશના અમુક રાજયોમાં વધી રહેલા કોરોના કેસ અંગે સુપ્રીમ કોર્ટે ધ્યાન આપ્યું છે. સોમવારે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને આસામ જેવા રાજયોને બે દિવસની અંદર સોગંદનામું દાખલ કરીને એ જણાવવા માટે કહ્યું છે કે, કોરોનાની હાલની સ્થિતિ સામે પહોંચી વળવા માટે તેમણે શું ઉપાય કર્યા છે. સુપ્રીમ કોર્ટે કોરોનાના કેસ વધવા છતા લગ્ન અને સમારોહ કરવાની મંજૂરી આપવા માટે ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું કે, ગુજરાતમાં દિલ્હી અને મહારાષ્ટ્ર પછી સૌથી ખરાબ સ્થિતિ છે. હવે આ કેસમાં આગામી સુનાવણી શુક્રવારે થશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સાંભળ્યું છે આ મહિનામાં કેસમાં ભારે વધારો થયો છે. અમારે રાજયો પાસેથી હાલના રિપોર્ટ જોઈએ છે. જો તૈયારી યોગ્ય રીતે નથી કરી તો ડિસેમ્બરમાં સ્થિતિ વધુ બગડી શકે છે. સુપ્રીમ કોર્ટે કોરોનાના દર્દીઓની યોગ્ય રીતે સારવાર ન થવા અને હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની લાશ સાથે યોગ્ય વ્યવહાર ન કરવા અંગે જાતે નોંધ લીધી છે. કેસની સુનાવણી ત્રણ જજોની બેંચ કરી રહી છે. જેમાં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમપી શાહ સામેલ છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મીડિયા રિપોર્ટ પ્રમાણે દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં લોબી અને વેઈટિંગ એરિયામાં લાશ પડી હતી. વોર્ડમાં મોટાભાગના બેડ ખાલી હતી, તેમ છતા દર્દી ફાંફા મારી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં કેન્દ્ર પાસે પણ જવાબ માંગ્યો છે. દિલ્હી સરકાર તરફથી એડિશનલ સોલિસીટર જનરલ સંજય જૈને કોર્ટને કહ્યું કે, પ્રાઈવેટ હોસ્પિટલ્સમાં કોરોનાના દર્દીઓ માટે ૮૦ ટકા ICU બેડ રિઝર્વ છે.અમે ગાઈડલાઈનનું પુરી રીતે પાલન કર્યું છે. કોર્ટે કહ્યું કે, તમે હાલની સ્થિતિ અંગે ડિટેલમાં સ્ટેટ રિપોર્ટ દાખલ કરો.

ગુજરાત સરકારને પુછયું: તમારી પોલિસી શું છે? શું થઈ રહ્યું છે? આ બધું શું છે?

ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. જસ્ટિસ શાહે કહ્યું કે, કોરોના સંક્રમણના વધતા કેસ છતા ગુજરાતમાં લગ્ન, સમારોહ અને અન્ય કાર્યક્રમોમાં છૂટ આપવામાં આવી છે. અહીંયા દિલ્હી અને મહારાષ્ટ્ર પછી સૌથી ખરાબ સ્થિતિ છે. તમારી પોલિસી શું છે? શું થઈ રહ્યું છે? આ બધું શું છે?

દિવાળી પછી દેશના અનેક રાજયોમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે હવે આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની સાથે સાથે આવા રાજયોની સરકારોને પણ આકરા સવાલો પૂછીને ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અશોક ભૂષણની બેચ દ્વારા કેન્દ્ર સરકારને સવાલ કરવામાં આવ્યા છે કે, તેમણે દેશમાં કોરોનાના વધતા જતા કેસ સામે શું પગલાં લીધા છે. તે ઉપરાંત દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામમાં પણ વધતા જતા કેસના કારણે કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે તેની માહિતી આપવા કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં લગ્ન સમારંભ અને જુદા જુદા સરઘસ તેમજ મેળાવડાની મંજૂરી બાબતે રાજય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે દેશમાં દિલ્હી અને મહારાષ્ટ્ર પછી ગુજરાતની સ્થિતિ કોરોના મામલે સૌથી ખરાબ છે અને તમે લોકોને ભેગા થવાની છૂટ આપો છો?

સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે અમને જણાવવામાં આવ્યું છે કે દેશમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ભયંકર બની રહી છે અને ડિસેમ્બરમાં તે વધુ ખરાબ બનશે તો અમે તમને પૂછવા માગીએ છીએ કે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમે શું પગલા લીધા છે. તેમજ કોરોનાના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે શું કર્યું છે તે અંગે વિગતવાર જણાવો.

સુપ્રીમ કોર્ટે ગુજરાત ઉપરાંત દિલ્હી રાજય સરકારનો પણ કાન પકડતા કહ્યું કે દેશની રાજધાનીમાં જ જો સ્થિતિ બેકાબૂ હોય તો પછી અન્ય વિસ્તારોમાં શું હશે તેની અમે કલ્પના નથી કરી શકતા. દિલ્હીમાં બગડી રહેલી કોરોના સ્થિતિને લઈને રાજય સરકારે શું પગલા ભર્યા છે તે અંગે જવાબ આપવા માટે કહ્યું છે.

મહત્વનું છે કે રાજધાની દિલ્હીમાં રવિવારે ૬૭૪૬ લોકોનાં મોત થયાં. ૬૧૫૪ લોકો સાજા થયા અને ૧૨૧ લોકોનાં મોત થયાં. મોતનો આ આંકડો દેશમાં સૌથી વધુ રહ્યો. આ કેસમાં ૫૦ લોકોનાં મોતની સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે રહ્યું હતું. મહારાષ્ટ્રમાં આ આંકડો ૧૫ મે પછી સૌથી ઓછો છે. ત્યારે અહીં ૪૯ લોકોનાં મોત થયાં હતાં. દિલ્હીમાં આ પહેલાં ૧૮ નવેમ્બરે સૌથી વધુ ૧૩૧ દર્દીનાં મોત થયાં હતાં.

દેશમાં રવિવારે ૪૪ હજાર ૪૦૪ કેસ નોંધાયો, ૪૧ હજાર ૪૦૫ દર્દી સાજા થયા અને ૫૧૦ લોકોનાં મોત થયાં. દેશમાં અત્યારસુધીમાં ૯૧.૪૦ લાખ કેસ નોંધાઈ ચૂકયા છે, જેમાંથી ૮૫.૬૧ લાખ દર્દી સાજા થઈ ચૂકયા છે અને ૧.૩૩ લાખ સંક્રમિતોનાં મોત થઈ ચૂકયાં છે. આ આંકડો covid19india.org વેબસાઈમાંથી લેવામાં આવ્યા છે.

(3:27 pm IST)