Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

કોરોના ફેલાતો રોકવા સરકારે શું વ્યવસ્થા કરી? : ગુજરાત સહીત પાંચ રાજ્યો પાસે સુપ્રીમકોર્ટે સ્ટેસ્ટ રિપોર્ટ માંગ્યો

ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસો સ્થિતિ વણસી : તમિલનાડુ અને આંધ્રપ્રદેશ પાસેથી પણ સ્ટેટસ રિપોર્ટ માંગ્યો

નવી દિલ્હી : દેશમાં કોરોના કેસનો આંકડો 91 લાખને પાર પહોંચ્યો છે,આ દરમિયાન ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે સાથે કોરોનાતી મરનારાઓની સંખ્યા પણ વધી છે. કોરોનાના લીધે થયેલી મોતમાં શબનું પૂરા સન્માન સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવે તેના અંગે સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે કોરોનાના વધતા મામલા અંગે સ્ટેટસ રિપોર્ટ આપવા કહ્યું છે. આ ઉપરાંત તેમણે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ પાસેથી પણ સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે.

ન્યાયાધીશ અશોક ભૂષણે જણાવ્યું હતું કે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે. અમે જાણવા માંગીએ છીએ કે સરકારે કોરોનાને ફેલાતો રોકવા માટે કઈ વ્યવસ્થા કરી છે. તેના અંગે સોગંદનામુ આપવામાં આવે.

તેના પર દિલ્હી સરકારના વકીલે જણાવ્યું હતું કે અમે બધા નિર્દેશોનું પાલન કર્યુ છે. કોર્ટે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ અંગે તમે શું કહેશો. તમે આ મુદ્દે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરો. સુપ્રીમ કોર્ટે આ સિવાય ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર પાસેથી પણ સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ અંગે સોલિસીટર જનરલે જણાવ્યું હતું કે આ કંઈ કેન્દ્ર અને દિલ્હીની વચ્ચેનો મામલો નથી. 15 નવેમ્બરે ગૃહમંત્રીએ કેટલાક નિર્દેશ આપ્યા છે અને પગલાં ઉઠાવ્યા છે, પરંતુ દિલ્હી સરકારે વધારે કામ કરવાની જરૂર છે.

 કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા ગુજરાતના ચાર મોટા શહેરોમાં નાઇટ કરફ્યુ લાદવાનું એલાન કરવામાં આવ્યુ છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સોમવાર રાતથી બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી અનિશ્ચિતકાળનો નાઇટ કરફ્યુ લાદવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીએ રવિવારે એક ઉચ્ચસ્તરીય બેઠક પછી નાઇટ કરફ્યુનો નિર્ણય લીધો હતો. રૂપાણીએ વિડીયો સંદેશ જારી કરીને લોકોને નાઇટ કરફ્યુ અને કોરોનાના નિયમોનું સખ્તાઈથી પાલન કરવાની અપીલ કરી છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 5,753 નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય 4,060 જણા રિકવર થઈ ચૂક્યા છે. આ સિવાય 50 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીમાં 17,80,208 કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ કોરોનાના સક્રિય કેસોના મામલે મહારાષ્ટ્ર પ્રથમ નંબરે છે.

દિલ્હીમાં રવિવારે કોરોનાના ચેપના નવા 6,746 કેસ સામે આવ્યા છે. તેની સાથે દિલ્હીમાં કોરોનાના સંક્રમિતોનો આંકડો 5.29 લાખને વટાવી ગયો છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચેપના લીધે 121 દર્દીઓની મોત થઈ છે. આમ દિલ્હીમાં કોરોનાના ચેપના લીધે એક જ દિવસમાં મરનારાઓની સંખ્યા સૌથી વધારે છે. તેની સાથે દિલ્હીમાં કોરોનાના લીધે મૃત્યુ પામનારાઓનો આંકડો વધીને 8,391 થઈ ગયો છે.

(1:11 pm IST)