Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન

'કોરોનાની લહેર નહીં સુનામી છે' : ઠાકરે

નવી દિલ્હી તા. ૨૩ : દિલ્હી બાદ કોરોનાનું ભયંકર સ્વરૂપ મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યું છે. રવિવારે કોરોના મામલે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ રાજયની જનતાને સંબોધન કર્યું. સીએમ ઠાકરેએ કહ્યું કે દુનિયાભરમાં કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે. આ કોરોનાની લહેર નથી પણ સુનામી છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે. આ બાજુ ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિવેદન પણ ચિંતા ઉપજાવનારું છે. તેમણે મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન લાગે તેવા સંકેત આપ્યા છે.

સીએમ ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું કે અમારી પાસે પૂરતી સ્વાસ્થ્ય સુવિધાઓ છે, પરંતુ જે લોકો ૮ મહિનાથી આ કામમાં લાગ્યા છે, તેમના ઉપર પણ દબાણ ઓછું કરવું જોઈએ. રસી હજુ આપણા હાથમાં નથી આવી. મહારાષ્ટ્રમાં ૧૨ કરોડ લોકો છે. રસીના બે ડોઝ એટલે ૨૪ ડોઝની જરૂર પડે. તેને લોકો સુધી પહોંચાડવામાં કેટલો સમય લાગશે તે સ્પષ્ટ નથી. હાલ તેનું સમાધાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું છે. તેમણે કહ્યું કે હજુ પણ અનેક લોકો માસ્ક પહેરતા નથી, જે ચિંતાનો વિષય છે.

કોરોનાના સંકટકાળમાં રાજકારણ ખેલાવું જોઈએ નહીં. જે લોકો કહે છે કે આ ખોલો, તે ખોલો, શું તમે જવાબદારી લેશો? કેટલાક લોકો મને રાત્રિ કર્ફયૂ લગાવવાનું સૂચન આપી રહ્યા છે પરંતુ મને લાગે છે કે દરેક ચીજ માટે ઓર્ડરની જરૂર નથી હોતી. જરૂર ન હોય તો લોકો ઘરમાં  બહાર ન નીકળે. જો મહારાષ્ટ્રે કઈંક કરી લેવાનું નક્કી કરી લીધુ તો અમે તેને પૂરું કરીએ છીએ. આથી હું તમને અપીલ કરું છું કે ભીડથી બચો, જરૂર પડે તો જ બહાર નીકળો અને માસ્ક જરૂર પહેરો.

સીએમ ઉદ્ઘવ ઠાકરેના સંબોધન પહેલા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે દિવાળી દરમિયાન બજારોમાં ભીડથી કોરોના સંક્રમણ વધ્યું છે. તેમણે કહ્યું કે આગામી ૮ થી ૧૦ દિવસોમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે, ત્યાર બાદ લોકડાઉન અંગે આગળ નિર્ણય લેવામાં આવશે.

ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે, 'દિવાળી દરમિયાન સ્થિતિ એવી હતી કે જાણે ભીડે જ કોરોનાને મારી નાખ્યો. કોરોનાની બીજી લહેરની આશંકા છે. રાજયમાં શાળાઓ શરૂ કરવા માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે જે અલગ અલગ છે કે શાળાઓને સેનેટાઈઝ કેવી રીતે કરવી અને સ્વચ્છ કેવી રીતે કરવી.'

તેમણે એમ પણ કહ્યું કે  'દિવાળી દરમિયાન ખુબ ભીડ હતી. ગણેશ ચતુર્થી વખતે પણ આપણે ભીડ જોઈ. અમે સંબંધિત વિભાગો સાથે વાત કરી રહ્યા છીએ. અમે આગામી ૮-૧૦ દિવસો માટે સ્થિતિની સમીક્ષા કરીશું અને ત્યારબાદ લોકડાઉન અંગે આગળ નિર્ણય લેવામાં આવશે.'

(11:37 am IST)
  • અમદાવાદના રાત્રી કર્ફ્યુને લઇ આવ્યા મોટા સમાચાર : કોરોના સંક્રમણ ને લીધે અમદાવાદમાં 7મી ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ જાહેર : અમદાવાદ પોલીસના જાહેરનામામાં તારીખનો ઉલ્લેખ : પોલીસ કમિશનરે જારી કર્યું છે જાહેરનામું access_time 6:39 pm IST

  • મદ્રેસામાંથી ઝડપાયો આતંકવાદી : ઘેરાબંધી કરીને સેનાના જવાનોએ દબોચી લીધો : કેટલીય ગતિવિધિઓમાં સામેલ હોવાનો ખુલાસો :જમ્મુ કશ્મીરના પુલવામાં જિલ્લાના એક મદ્રેસામાંથી આતંકીની ધરપકડ : આતંકીઓ છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે તલાસી અભિયાન ચલાવી ઝડપી લીધો access_time 11:44 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : કુલ કેસનો આંકડો 91 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 43,652 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 91,39,560 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,43,125 થયા:વધુ 40, 586 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,60,625 રિકવર થયા :વધુ 487 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,750 થયો access_time 12:06 am IST