Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મહારાષ્ટ્રમાં ઉથલપાથલ માટે શરદ પવાર જવાબદાર : કોંગી

રસ્સાકશીમાં ભાજપની જીત બાદ કોંગ્રેસ લાલઘુમ : શિવસેના-એનસીપીની સંયુક્ત પત્રકાર પરિષદમાં હાજરી આપવા ઈન્કાર : શપથવિધીને કાયદાકીય રીતે પડકારાશે

મુંબઈ, તા.૨૩ : મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા ખેચતાણના મામલામાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર બાજી મારી લીધી છે અને એનસીપીની સાથે મળીને સરકાર બનાવી લીધી છે. સરકાર રચવા માટે શિવસેનાના નેતૃત્વમાં એનસીપી અને કોંગ્રેસની વચ્ચે સરકાર રચવા માટે વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી હતી ત્યારે જ આજે જોરદાર ઘટનાક્રમ બદલાયા હતા. એનસીપીના વડા  શરદ પવાર એમ કહી રહ્યા છે કે તે અજીત પવારનો નિર્ણય છે અને તેમને જાણ કર્યા વગર અજીત પવારે ભાજપની સાથે મળીને સરકાર બનાવી લીધી છે પરંતુ એનસીપીના સાથી પક્ષ કોંગ્રેસ આ સમગ્ર ઘટનાક્રમ માટે એનસીપીને જ જવાબદાર ગળે છે. શિવસેના અને એનસીપીની સંયુક્ત પત્રકાર પરિષદ બાદ કોંગ્રેસે મીડિયા સાથે વાતચીત કરી હતી.

                   કોંગ્રેસના વચ ગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે મુંબઈમાં પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, જેમ જ શરદ પવાર દિલ્હીમાં આવ્યા તેમના ઘરે બે બેઠક યોજાઈ હતી અને તમામ બાબતો નક્કી થઈ ગઈ હતી. અહેમદ પટેલે કહ્યું હતું કે, તમામ બાબતો શિવસેનાની સાથે બેસીને નક્કી થવાની હતી. એક બે મુદ્દા પર વધારે ચર્ચાની જરૂર હતી. જેથી અમે ૧૨ વાગે મળનાર હતા. પરંતુ તે પહેલા જે ઘટનાક્રમનો દોર ચાલ્યો તેની જેટલી ટીકા કરવામાં આવે તેટલી ઓછી છે. એનસીપીથી કેટલાક લોકો બહાર નીકળ્યા છે. તેઓએ એક યાદી આપી છે. જેનાથી આ ઘટના બની હતી. એનસીપી અને શિવસેનાની પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત રહેનાર હતા પરંતુ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ અને અશોક ચવ્હાણ પત્રકાર પરિષદ પહેલા બહાર નીકળી ગયા હતા અને અલગ બેઠક યોજવાનો નિર્ણય કર્યો હતો. રાજકીય ઉથલપાથલ માટે કોંગ્રેસ અને એનસીપીના વડા શરદ પવારને જવાબદાર ગળે છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે, એનસીપીમાં વિભાજન પવાર વગર શક્ય નથી.

                   મહારાષ્ટ્રમાં ભાજપ-એનસીપીની સરકાર બનતા જ કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિઘવીએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, મહારાષ્ટ્રના સંદર્ભમાં વાંચીને હેરાનગતિ થઈ છે. પહેલા લાગ્યુ હતું કે, આ બોગસ સમાચાર છે પરંતુ મોડેથી ત્રણેય પાર્ટીઓની વાતચીતમાં વિલંભ થતા હરીફ લોકોએ તક ઝડપી લીધી હતી. પવાર પર પ્રહાર કરતા સિઘવીએ કહ્યું હતું કે, પવારજી તુસ્સી ગ્રેટ હો. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ શાયરીના અંદાજમાં એનસીપી પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, જનાદેશ સાથે વિશ્વાસઘાત થયો છે. તારીક અનવરે પણ ઈશારામાં પવાર પર પ્રહાર કર્યા હતા. દરમિયાન ગુપ્ત રીતે શપથવિધી બાદ કોંગ્રેસ ફડનવીસ સરકારના શપથ ગ્રહણને રાજકીય અને કાયદાકીય રીતે પડકાર ફેકવાનો નિર્ણય કરી ચુકી છે. પટેલે કહ્યું હતું કે, પહેલા ભાજપને આમંત્રણ અપાયુ હતું. ત્યારબાદ શિવસેનાને અને ત્યારબાદ એનસીપીને આમંત્રણ અપાયું હતું પરંતુ કોંગ્રેસને બહુમત સાબિત કરવાની તક મળી ન હતી. કોંગ્રેસ અને એનસીપી વચ્ચે પણ ખેચતાણ વધી ગઈ છે.

(7:41 pm IST)