Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સરકાર બનાવવા માટેનુ શિવ સેનાનુ સપનુ અંતે રોળાઇ ગયુ

ભાજપની ચાલથી શિવ સેનાને મોટી પછડાટ : ભાજપની બાજીથી શિવ સેના લાલધુમ : આક્ષેપબાજીનો દોર : એનસીપી-ભાજપ મિત્રતાની ઉદ્ધવ ઠાકરને ખબર ન પડી

નવી દિલ્હી,તા. ૨૩ : મહારાષ્ટ્રમાં પરિવારની પરંપરાને તોડીને પ્રથમ વખત સરકાર બનાવવા માટેના પ્રયાસ કરનાર શિવસેનાની આશા પર ભારતીય જનતા પાર્ટીએ આખરે પાણી ફેરવી દીધુ છે. શિવસેના છેલ્લા કેટલાક દિવસોથી પોતાની રીતે સરકાર બનવવા માટે એનસીપી અને કોંગ્રેસ સાથે સતત વાતચીત કરી રહી હતી. ખુબ ઉત્સાહ પણ સરકાર બનાવવા માટે દર્શાવી રહ્યા હતા. જો કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડીમાં જોરદાર દાવ રમીને તેની આશા પર પાણી ફેરવી દીધુ છે.  તેના પૂર્વના સાથી પક્ષ શિવ સેનાને ભારતીય જનતા પાર્ટીએ આજે મોટી રાજકીય પછડાટ આપી હતી. શિવ સેનાના નેતાઓ પણ ભાજપની ચાલથી આશ્ચર્યચકિત થઇ ગયા છે. શિવ સેનાના નેતાઓને તો દેવેન્દ્ર ફડનવીસની શપથવિધીના એક કલાક પહેલા સુધી કોઇ વાતની ખબર પડી ન હતી. કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. મહારાષ્ટ્રની રાજનીતીમાં આજના દિવસને યાદ રાખવામાં આવનાર છે.

                   કારણ કે ફડનવીસે જોરદાર રીતે ફરી મુખ્યપ્રધાન બની જવામાં સફળતા હાંસલ કરી છે. મોટી વાત એ રહી છે કે શિવ સેનાને તો આ વાતની ખબર પણ પડી નથી. શપથવિધીના એક કલાક પહેલા શિવ સેનાના નેતાઓ સરકાર બનાવવાને લઇને ઉત્સુક હતા. સરકાર બનાવવા માટે એટલી હદ સુધી ઉત્સુક હતા કે રાવતે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે જેના પર દુનિયા હસે છે તે વ્યક્તિ જ ઇતિહાસ સર્જે છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ રાજકીય ઘટનાક્રમ વચ્ચે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે તેમને આ બાબતને લઇને આશ્ચર્ય થયુ છે. તેમને પહેલા તો લાગી રહ્યુ હતુ કે આ અહેવાલ ખોટા છે. જો કે મોડેથી વિશ્વાસ થયો હતો. જો કે તેમને કબુલાત કરી હતી કે શિવ સેના, એનસીપી અને કોંગ્રેસે વાતચીતમાં સમય ખુબ ખરાબ કર્યો હતો. જેનો લાભ ભારતીય જનતા પાર્ટીને થયો છે. રાતોરાત રમાયેલી રમતથી શિવસેનાની મોટી પીછેહટ થઈ હતી. શિવસેનાના લોકો સરકાર રચવાના દાવા કરી રહ્યા હતા પરંતુ તેના દાવા જ રહી ગયા હતા અને સવારમાં અજીત પવારની સાથે મળીને ફડનવીસે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી દીધી હતી. કોઈને પણ આ બાબતનો વિશ્વાસ થયો ન હતો. મહારાષ્ટ્રમાં જોરદાર રાજકીય ઘટનાક્રમનો દોર યથાવત રીતે જારી રહ્યો છે.

દળબદલ હેઠળ અજીતને ૩૬ ધારાસભ્યોની જરૂર

અલગ મોરચાની માન્યતાની ચર્ચા

મુંબઈ,તા. ૨૩ : એનસીપીની પાસે હાલમાં ૫૪ ધારાસભ્ય છે. દળબદલ અથવા તો પક્ષ પલટાની કાયદાની જોગવાઈ હેઠળ અલગ ગ્રુપની માન્યતા હાંસલ કરવા માટે બે તૃતિયાંશ ધારાસભ્યોના સમર્થનની જરૂર દેખાઈ રહ્યા છે. આ દ્રષ્ટિથી અજીત પવારને ૩૬ ધારાસભ્યોના સમર્થનની જરૂર દેખાઈ રહી છે. જો અજીત ૩૬ અથવા તેનાથી વધારે ધારાસભ્યોના સમર્થનને હાંસલ કરી લે છે તો તેમને નવી પાર્ટી બનાવવામાં મુશ્કેલી પડશે નહીં પરંતુ જો આવુ થશે નહીં તો અસંતુષ્ટ ધારાસભ્યોની મેમ્બરશીપ ખતમ થઈ જશે.

(7:40 pm IST)