Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

હવે ખરાખરીનો ખેલ : ભાજપ અને NCP ને ૩૦ નવેમ્બર સુધી બહુમત સાબિત કરવું પડશે

મુંબઇ, તા. ર૩ : મહારાષ્ટ્રમાં બીજેપી અને એનસીપીએ સરકાર બનાવી લીધી છે. બીજેપી નેતાએ મુખ્યમંત્રી પદના જયારે એનસીપીના અજીત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ ગ્રહણ કર્યા છે. રાજયપાલે ભાજપને ૩૦ નવેમ્બર સુધી બહુમત સાબિત કરવા માટેનો સમય પણ આપ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપીને એનસીપીના ૨૨ ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે.

ત્યારે વાતો થઈ રહી છે કે શિવસેનાને પણ કેટલાક ધારાસભ્યોનું સમર્થન છે. જો કે તે વાત સ્પષ્ટ નથી થઈ રહી. ૨૮૮ સીટો વાળી મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપને ૧૦૫, શિવસેનાને ૫૬, એનસીપીને ૫૪ જયારે કોંગ્રેસને ૪૪ સીટો મળી હતી.

મહારાષ્ટ્રમાં હાલ સરકાર બનાવવા માટે ૧૪૫ ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. એવામાં એનસીપીના ૨૨ ધારાસભ્ય ભાજપ સાથે હાથ મિલાવે તો પણ ભાજપ અને એનસીપીની યુતિની કુલ સંખ્યા ૧૨૭ સુધી પહોંચશે. એટલે કે ૧૮ ધારાસભ્યોની હજુ પણ આ યુતિને જરૂર છે. એવામાં દેવેન્દ્ર ફડણવીસે અજીત પવાર સાથે મળી ફ્લોર ટેસ્ટ પાસ કરવાની રહેશે. અને જાદુયી આંકાડા ૧૪૫ સુધી પહોંચવાનું રહેશે.

(3:42 pm IST)