Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

જેલમાં ન જવા અજિતે કારસો રચ્યો : સંજય રાઉત

કાકા શરદ પવાર સાથે છેતરપીંડી કરી : અજિતે શરદ પવાર અને મહારાષ્ટ્રની પ્રજા સાથે છેતરપીંડી કરી પીઠ પાછળ છૂરી હલાવી છે

મુંબઈ : શિવસેના સાંસદ અને વરિષ્ઠ નેતા શ્રી સંજય રાઉતે કહ્યું અજિત પવારે શરદ પવાર સાથે છેતરપીંડી કરી છે અને જેલમાં ન જવું પડે તે માટે ભાજપ સાથે હાથ મિલાવ્યા છે. સંજય રાઉતે કહ્યું કે શરદ પવારનો તેની સાથે કોઈ લેવા - દેવા નથી. અજિત પવારે શરદ પવાર અને મહારાષ્ટ્રની જનતા સાથે છેતરપીંડી કરી છે. તેમણે વધુમાં કહ્યું કે અજીત પવારે જેલમાં ન જવા માટે જ ભાજપ સાથે હાથ મિલાવ્યા છે અને સાબિત કર્યુ છે કે ભાજપ, સરકાર બનાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે.

મહારાષ્ટ્રમાં એનસીપી ભાજપ સરકાર બન્યા બાદ મીડીયા સમક્ષ શિવસેનાના સંજય રાઉત સવારે આવ્યા હતા. સંજય રાઉતે ભાજપ અને અજિત પવાર પર ટ્વીટર હેન્ડલ વડે હુમલો કર્યો અને બંનેને 'પાપના વેપારી' ગણાવ્યા હતા.

મહારાષ્ટ્રમાં ભાજપ - એનસીપીની આંચકાજનક ઉલટફેર બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યુ કે શરદ પવાર સાથે આ ઘટનાને કંઈ લેવા-દેવા નથી.

સંજય રાઉતે ત્યાં સુધી કહ્યુ કે ભાજપે રાજભવનનો દુરૂપયોગ કર્યો છે. મહારાષ્ટ્રમાં અચાનક થયેલા રાજકીય પલટાને કારણે રાજયના નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરનાર અજીત પવાર ઉપર શિવસેના (શિવસેના) પર હુમલો કરતા સેનાના સાંસદ અને પ્રવકતા સંજય રાઉતે કહ્યુ કે અજીત પવારે એનસીપી ચીફ શરદ પવારની છેતરપીંડી કરી છે. અજીતે હવે રાજયના લોકોને જવાબ આપવો પડશે. તે જીવનભર હવે પસ્તાશે.

રાઉતે કહ્યું કે ગઈકાલે રાત્રે ૯ વાગ્યા સુધી આ અજીત પવાર અમારી સાથેની બેઠકમાં હાજર હતા. પરંતુ પછીથી અચાનક તેઓ ત્યાંથી ગાયબ થઈ ગયા. તે આંખો મિલાવી અમારી સાથે વાત કરવાનું ટાળી રહ્યો હતો. તે નીચી નજરથી અમારી સાથે વાત કરી રહ્યો હતો. અમને તેની શંકા પણ થઈ હતી અને આજે તેનો ફોન બંધ આવે છે.

શ્રી રાઉતે કહ્યુ કે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેજી સતત સંપર્કમાં છે અને ટૂંક સમયમાં પત્રકારોને મળી તમામ વિગતો જાહેર કરશે. અજીત પવાર અને તેમને સમર્થન આપનારા ધારાસભ્યોએ છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાષ્ટ્રનું અપમાન કર્યુ છે. આજે સવારે ૫:૪૭ વાગ્યે મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાયુ અને સવારે ૮:૦૫ વાગ્યે ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા.

(11:48 am IST)