Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

અજીત પવારે કાકા શરદ પવાર સાથે વિશ્વાસઘાત કર્યો : શિવસેના

એનસીપીના અજીત પવાર ગઈકાલ રાત સુધી અમારી સાથે હતાઃઅજીત પવારે મહારાષ્ટ્રની જનતા સાથે દગો કર્યો છે

મુંબઇ,તા.૨૩: મહારાષ્ટ્રમાં બીજેપીએ એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી છે. શુક્રવારે મોડી રાત સુધી શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે બેઠક ચાલી હતી. બેઠક બાદ ઉદ્ઘવ ઠાકરેનું નામ મુખ્યમંત્રી તરીકે નક્કી કરવામાં આવ્યું હતું. બીજી તરફ શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના સીએમ તરીકેના શપથ લઈ લીધા હતા. આ મામલે ઊંદ્યમાંથી જાગેલી શિવસેનાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, એનસીપીના શરદ પવાર સાથે વિશ્વાસદ્યાત થયો છે.

શિવસેનાના નેતા તેમજ પ્રવકતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં બીજેપી એનસીપીના જોડાણ અંગે કહ્યુ કે, 'એનસીપીના અજીત પવાર ગઈકાલ રાત સુધી અમારી સાથે હતા. અજીત પવારે મહારાષ્ટ્રની જનતા સાથે દગો કર્યો છે. આ ઉપરાંત અજીત પવારના બીજેપીના સમર્થન આપવાની દ્યટના સાથે શરદ પવારને કોઈ લેવાદેવા નથી.'

સંજય રાઉતે એવું પણ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં રાજભવનની શકિતનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે. અજીત પવારે બીજેપીને સમર્થન આપીને છત્રપતિ શિવાજીનું અપમાન કર્યું છે. અજીત પવારે શરદ પવારને દગો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અજીત પવાર શરદ પવારના ભત્રીજા છે. શરદ પવાર એનસીપીના વડા છે.

મહારાષ્ટ્રમાં ૨૧ની ઓકટોબરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું. જયારે ૨૪મી ઓકટોબરના રોજ ચૂંટણી પરિણામ સામે આવ્યું હતું. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ૧૦૫ બેઠક મળી હતી, જયારે શિવસેનાને ૫૬ બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસને ૪૪ બેઠક અને એનસીપીને ૫૪ બેઠક મળી હતી. આ રીતે ભાજપને સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમતી મળી ન હતી. આથી ભાજપે એનસીપીના સમર્થન સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે.

(11:47 am IST)