Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ વચ્ચે દેવેન્દ્ર ફડનવીસના સીએમ તરીકે શપથ

રાતોરાત ઘટનાક્રમ બદલાતા રાજકીય નેતાઓ પણ ચોંકી ઉઠ્યા : સવારમાં દેવેન્દ્ર ફડનવીસના મુખ્યપ્રધાન તરીકે અને અજિત પવારના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ : કોંગ્રેસ-શિવ સેનાના સપનાઓ પર પાણી ફરી વળ્યુ

મુંબઈ, તા. ૨૩ : મહારાષ્ટ્રમાં જ્યારે શિવસેના એનસીપી અને કોંગ્રેસની સાથે મળીને સરકાર રચવાના પ્રયાસ કરી રહી હતી ત્યારે રાતોરાત રાજકીય ભૂકંપની સ્થિતી સર્જાઇ હતી. મહારાષ્ટ્રમાં જારી રાજકીય ખેંચતાણ વચ્ચે આજે સવારે એકાએક મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે સતત બીજી વખત દેવેન્દ્ર ફડનવીસે શપથ લીધા હતા. ફડનવીસની સાથે એનસીપીના નેતા અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા હતા.આની સાથે જ રાજકીય વર્તુળોમાં મહારાષ્ટ્રના ઘટનાક્રમને લઇને ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. દેવેન્દ્ર ફડનવીસની સરકાર ફરીવાર સત્તારૂપ થયા બાદ એનસીપી અને કોંગ્રેસના ટોચના સ્તર પર બેઠકોનો દોર જારી રહ્યો હતો. મહારાષ્ટ્રની રાજનીતિમાં આજના દિવસને હમેંશા માટે યાદ રાખવામાં આવનાર છે.

                કારણ કે ગઇકાલ સુધી એમ માનવામાં આવી રહ્યુ હતુ કે શિવ સેના કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને સરકાર બનાવી લેશે. જો કે ભાજપે રાતોરાત જોરદાર રાજકીય ચાલ રમીને તમામની ગણતરીને ઉધી વાળી દીધી હતી. ખાસ કરીને શિવ સેનાની તમામ આશા પર પાણી ફેરવી દીધુ હતુ. મહારાષ્ટ્રમાં ૨૭મી સપ્ટેમ્બરના દિવસે ચૂંટણી માટે જાહેરનામુ જારી કરવામાં આવ્યુ હતુ.૨૧મી ઓક્ટોબરના દિવસે મતદાન થયુ હતુ. ત્યારબાદ ૨૪મી ઓક્ટોબરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપ-શિવ સેના ગઠબંધનને સ્પષ્ટ બહુમતિ મળી હતી. ત્યારબાદ શિવ સેનાએ જિદ્દી વલણ અપનાવીને ૫૦-૫૦ ફોર્મ્યુલા પર આગળ વધવાની વાત કરી હતી. જેના કારણે સરકારની રચનાને લઇને મડાગાંઠની સ્થિતી સર્જાઇ ગઇ હતી. ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમાં શિવસેનાને મનાવવા માટેના પ્રયાસ કર્યા હતા. જો કે શિવ સેનાએ મુખ્યપ્રધાન પદને લઇને જિદ્દી વલણ રાખ્યુ હતુ.

               સાથે સાથે સરકાર રચવાને લઇને એનસીપી અને કોંગ્રેસ સાથે શિવ સેનાએ વાતચીત શરૂ કરી દીધી હતી. જેના કારણે બંને પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ વધી હતી. આ ગાળામાં શિવ સેનાએ તેમના કેબિનેટ પ્રધાનને મોદી સરકારમાંથી પાછા ખેંચી લીધા હતા. વાતચીતનો દોર સરકાર માટે આગળ વધે તે પહેલા ભાજપે સરકાર બનાવવા ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ફડનવીસે રાજીનામુ આપ્યુ હતુ. ત્યારબાદ શિવ સેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે વાતચીત સતત જારી રાખી હતી. જો કે ગઇકાલે મોડી રાત્રે જ્યારે એમ લાગી રહ્યુ હતુ કે હવે શિવ સેના-કોંગ્રેસ અને એનસીપી સરકાર બનાવશે ત્યારે જ રાતોરાત ભારતીય જનતા પાર્ટીએ જોરદાર રાજકીય દાવ રમીને તમામની ગણતરીને આજે ઉંઘ વાળી દીધી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમના દોર વચ્ચે સવારમાં કહ્યુ હતુ કે કોંગ્રેસ, એનસીપી અને શિવ સેનાએ ત્રણ દિવસમાં વાતચીત કરી લેવાની જરૂર હતી.

                 જો કે તેમની વાતચીત વધારે લાંબી ચાલી હતી.  શુક્રવારે રાતોરાત બદલાયેલી રાજકીય સ્થિતીની કોઇને માહિતી મળી ન હતી. છેલ્લે સુધી તમામ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ અંધારામાં રહ્યા હતા. સવારે આઠ વાગ્યાની આસપાસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ફડનવીસ અને અજિત પવારને ક્રમશ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન તરીકેના શપથ લેવડાવ્યા હતા. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ ઘટનાક્રમની બાબતોનો અંત આવ્યો હતો.મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને શિવ સેના દ્વારા સરકાર બનાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા હતા. ગઇકાલ સાંજ સુધી એમ લાગી રહ્યુ હતુ કે શિવ સેના અને કોંગ્રેસ-એનસીપી  સાથે મળીને સરકાર બનાવી લેશે પરંતુ આ બાબત આજે એકાએક બદલાઇ ગઇ હતી. ગઇકાલે જ  મુંબઈના નહેરુ સેન્ટરમાં ત્રણેય પાર્ટીઓના નેતાઓની બે કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી જેમાં મુખ્યમંત્રી પદને લઇને મોટાભાગે સહમતિ થઇ ગઈ હતી. બેઠક બાદ બહાર આવીને એનસીપીના વડા શરદ પવારે તો  સાફ શબ્દોમાં કહ્યું હતું કે, જ્યાં સુધી મુખ્યમંત્રી પદની વાત છે તેમને લઇને કોઇ બે મત નથી. ઉદ્ધવ ઠાકરેની લીડરશીપ ઉપર ત્રણેય પાર્ટીઓ સહમત છે. આ ઉપરાંત અન્ય મુદ્દા પર ચર્ચા ચાલી  પૂર્ણ થઇ ગઇ હતી.

                ગઇકાલે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ સીએમપી અને સરકારમાં પાર્ટીઓની ભૂમિકા પર શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી. મહામંથનમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીની બેઠકમાં નવી સરકાર બનાવવાને લઇને ચર્ચા થઇ હતી. ગઇકાલે સરકારની રચનાને લઇને બેઠક યોજાઇ હતી.  આ બેઠકમાં એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, સંજય રાવત જેવા શિવસેનાના નેતાઓ, અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, પૃથ્વીરાજ ચૌહાણ જેવા કોંગ્રેસી નેતાઓ એકત્રિત થયા હતા. એનસીપી તરફથી પ્રફુલ પટેલ, જયંત પાટિલ અને અજીત પવાર સામેલ થયા હતા.  ચૂંટણીના પરિણામ ૨૪મી ઓક્ટોબરે આવી ગયા હતા પરંતુ કોઇ નિર્ણય લઇ શકાયો ન હતો જેથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનલાગૂ કરાયુ હતુ. મહારાષ્ટ્રમાં સવાર પડતા જ પહેલા રાજકીય ભૂકંપની સ્થિતિ રહી હતી. મહારાષ્ટ્રમાં બહુમતિ માટેનો આંકડો ૧૪૫નો રહેલો છે.

(7:36 pm IST)