Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

દેશમાં ૨૫ લાખ કંપની, પણ PAN રિટર્ન ૬ લાખના જ ભરાય !!

ઘણા ડિરેકટરો, ભાગીદારો PAN રાખતા નથી, હવે ૨૦૧૯થી દંડ ફટકારાશે : કંપનીના ડિરેકટરો, ભાગીદારો, ટ્રસ્ટીઓએ હવે PAN લેવો ફરજિયાત

નવી દિલ્હી તા. ૨૩ : સરકાર બોગસ કંપનીઓના રજિસ્ટ્રેશન રદ કરી બોગસ ડિરેકટરો સામે પગલાં લેવાની કવાયત કરી રહી છે ત્યારે જ દેશમાં રજિસ્ટર્ડ ૨૫ લાખ કંપની પૈકી હજુ સુધી માત્ર ૬ લાખ કંપનીઓના જ રિટર્ન ભરાયા છે. બાકીની ૧૯ લાખ કંપનીઓના ઇનકમ ટેકસ રિટર્ન ભરાયા નથી. રિટર્ન ન ભરાવા પાછળનું મોટું કારણ ડિરેકટરો અને ભાગીદારો પાસે PAN ન હોવાનું ટેકસ એડવાઇઝર પ્રમોદ પોપટ જણાવી રહ્યા છે. તેમના કહેવા મુજબ કંપનીના રિટર્નને મામલે આયકર વિભાગની ઝંઝટમાં ન પડવા માટે જ તેઓ PAN કઢાવતા ન હતા. જોકે, હવે PAN ફરજિયાત બનાવાયા છે. વર્ષ ૨૦૧૯ના મે મહિના સુધીમાં જો કંપનીના ડિરેકટરો, ભાગીદારો, ટ્રસ્ટીઓ કે જેમના વાર્ષિક વ્યવહારો રૂ. અઢી લાખથી વધુ હોય અને તેમની પાસે PAN નહીં હોય તો તો દંડ વસૂલવાની જોગવાઇ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે, બોગસ કંપનીઓના રજિસ્ટ્રેશન કરાવીને કરોડોની કરચોરી થાય છે. ઉપરાંત, એક શહેરમાંથી બીજા શહેરમાં અને અન્ય દેશોમાં પણ બોગસ કંપનીઓના એકાઉન્ટ મારફતે કરોડોના હવાલા પાડવામાં આવે છે. તેથી દેશના અર્થતંત્રને ભારે નુકસાન થઇ રહ્યું છે. આ બાબતો ધ્યાનમાં આવતાં સરકારે બોગસ કંપનીઓ સામે પગલાં ભરવાની શરૂઆત કરી છે. .

લાખોની સંખ્યામાં બોગસ કંપનીઓના રજિસ્ટ્રેશન રદ કરી દેવાયા છે. તેમના ચાલાક ડિરેકટરો સામે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ચાલુ વર્ષથી ડિરેકટરોએ રજિસ્ટ્રેશન યથાવત્ રાખવા માટે સંપૂર્ણ સાચી માહિતી વીડિયોગ્રાફી સાથે સરકાર સમક્ષ રજૂ કરવાની હોવાથી મોટા ભાગના બોગસ ડિરેકટરોએ નોંધણી કરાવવાનું ટાળ્યું છે. જે કંપનીના ડિરેકટરો અને ભાગીદારો પાસે PAN નથી તેઓ કંપનીઓના રિટર્ન ભરી શકયા નથી. આથી જ ૨૫ લાખ કંપની પૈકી માત્ર ૬ લાખના જ રિટર્ન ભરાયા છે. હવે આગામી દિવસોમાં ડિરેકટરો અને ભાગીદારો PAN મેળવી લઇ રિટર્ન ભરે તો જ કંપનીના રિટર્ન ભરાશે. અન્યથા બોગસ ડિરેકટરોવાળી કંપનીઓના રિટર્ન ભરાશે જ નહીં. મે, ૨૦૧૯ સુધીમાં જો ડિરેકટરો અને ભાગીદારો PAN નહીં મેળવી લે તો તેમની પાસેથી દંડ વસૂલવામાં આવશે.

(11:30 am IST)