Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

કાશ્મીર પહોંચ્યા અમિતભાઈઃ ત્રણ દિવસ રસ્તા બંધઃઅભેદ કીલેબંધી

જમ્મુ,તા.૨૩: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ શનિવારે કેન્દ્ર જમ્મૂ કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. આખા કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસથી આતંકવાદ ચરમસીમાએ છે અને સામે પક્ષે સેનાનું મહા ઓપરેશન ચાલી રહ્યું છે. એવામાં દેશના ગૃહમંત્રી પોતે આ ઓપરેશનને અંતિમ અંજામ આપવા મેદાને આવ્યા છે. અમિત શાહની મુલાકાતને જોતાં આખું કાશ્મીર અભેદ્ય કિલ્લામાં ફેરવાઇ ગયું છે.

નોંધનીય છે કે ૨૦૧૯માં કાશ્મીરમાંથી ધારા ૩૭૦ ખતમ કર્યા બાદ કાશ્મીરમાં અમિત શાહનો આ પહેલો પ્રવાસ છે. શ્રીનગરમાં અમિત શાહ સુરક્ષાની સમીક્ષા બેઠક રશે અને તે વાદ કાશ્મીરનાં યૂથ કલબનાં યુવાઓ સાથે વાતચીત કરશે.

અમિત શાહના પ્રવાસનાં કારણે શ્રીનગરમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે, કેટલીય જગ્યાઓ પર ટ્રાફિકને બંધ કરી દેવામાં આવ્યો છે અને ગાડીઓની સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે. શેર એ કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર જનાર તમામ રસ્તાઓને ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બહાર પણ ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

નોંધનીય છે કે આ સિવાય પણ કાશ્મીર ઘાટીમાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને CRPFની ૫૦ કંપનીઓને તૈનાત કરી દેવામાં આવી છે. જુદા જુદા શહેરોમાં ઠેર ઠેર સેના દ્વારા બંકર બનાવી દેવામાં આવ્યા છે.કાશ્મીરમાં નાગરિકોની હત્યા બાદ સેના પણ આરપારનાં મૂડમાં છે અને સપાટો બોલાવીને ૭૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી ઘણા પર પબ્લિક સેફટી એકટનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જમ્મૂ કાશ્મીરમાંથી કેટલાક કેદીઓને આગ્રા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.

(4:21 pm IST)