Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

હવે તહેવારોની સીઝનમાં ફૂલોના ભાવમાં થયો તોતીંગ વધારો

જે ફૂલો પહેલા ૪૦ થી ૫૦ રૂપિયા કિલો મળતા હતા તે આજે ૧૦૦ થી ૩૦૦ રૂપિયા કિલોનાં ભાવે મળી રહ્યા છે

નવી દિલ્‍હી,તા. ૨૩: એક તરફ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત ભડકો થઇ જ રહ્યો છે, ત્‍યારે તેની સીધી અસર અન્‍ય વસ્‍તુઓ પર પણ પડી રહી છે. તહેવારોની સીઝન આવી રહી છે ત્‍યારે આ મોંઘવારીની માર સામાન્‍ય નાગરિકોની ખૂબ પરેશાન કરી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર હવે ફૂલોનાં ભાવમાં તોતીંગ વધારો ઝીંકાયો છે.
દિવાળીનો તહેવાર હવે નજીક છે ત્‍યારે આ તહેવારમાં ફૂલોનું એક ખાસ મહત્‍વ રહ્યુ હોય છે. લોકો આ તહેવારમાં મોટી સંખ્‍યામાં ફૂલોની ખરીદી કરતા હોય છે પરંતુ આ વર્ષે ફૂલોનાં તોતીંગ વધારાએ લોકોને જાણે ફૂલોથી દૂર કરી દીધા હોય તેવુ લાગી રહ્યુ છે. જી હા, વડોદરામાં ફૂલોનાં વેપારીઓએ ભાવમાં અચાનક વધારો ઝીંકી લોકોને મોંદ્યા ફૂલ ખરીદવા મજબૂર કરી દીધા છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો અને બીજી તરફ આ વર્ષે રાજયમાં વરસાદ મન મૂકીને પડ્‍યો હોવાથી ફૂલોની આવક પણ દ્યટી છે. આ પણ એક કારણ છે કે આજે તહેવારની સીઝનમાં પણ ફૂલોનો ભાવ આસમાને પહોંચી ગયો છે. જણાવી દઇએ કે, જે ફૂલો પહેલા ૪૦ થી ૫૦ રૂપિયા કિલો મળતા હતા તે આજે ૧૦૦ થી ૩૦૦ રૂપિયા કિલોનાં ભાવે મળી રહ્યા છે.
નોરતા પહેલા જે ફૂલોનો ભાવ હતો તેની સરખામણીએ આજે ફૂલોનાં ભાવમાં ૫ થી ૬ ગણો વધારો થયો છે. જે ગુલાબનું ફૂલ પહેલા ૫૦ થી ૬૦ રૂપિયા કિલો મળતા હતા તે આજે ૩૦૦ રૂપિયા કિલો બજારમાં વેચાઇ રહ્યા છે. ઉપરાંત ગલગોટાનાં ફૂલ પહેલા ૧૦ થી ૨૦ રૂપિયા કિલોનાં ભાવે મળતા હતા તે આજે ૩૦ થી ૪૦ રૂપિયા કિલોનાં ભાવે વેચાઇ રહ્યા છે. લીલી ૧૫૦ થી ૨૦૦ રૂપિયા કિલોનાં ભાવે વેચાઇ રહ્યા હતા તે આજે ૩૦૦ રૂપિયા કિલોનાં ભાવે વેચાઇ રહ્યા છે. સૂર્યમુખી ૩૦ થી ૬૦ રૂપિયા કિલોનાં ભાવે મળતા હતા તે આજે ૧૨૦ થી ૧૫૦ રૂપિયા કિલોનાં ભાવે વેચાઇ રહ્યા છે.

 

 

(11:09 am IST)