Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

દેશનું વિદેશી હૂંડિયામણ સતત ત્રીજા સપ્તાહે નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યુ

ફોરેક્સ રિઝર્વ 3.61 અબજ ડોલર વધીને 555.12 અબજ ડોલરના નવા સર્વોચ્ચ શિખરે આંબ્યુ

મુંબઇઃ કોરોના સંકટકાળમાં ભારતના વિદેશી હૂંડિયામણાં મક્કમ ગતિએ વધારો થઇ રહ્યો છે અને તે સતત ત્રીજા સપ્તાહે નવી ઐતિહાસિ ટોચે પહોંચ્યુ છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ 16 ઓક્ટોબરના રોજ ભારતનું ફોરેક્સ રિઝર્વ 3.61 અબજ ડોલર વધીને 555.12 અબજ ડોલરના નવા સર્વોચ્ચ શિખરને આંબી ગયુ છે. જ્યારે તેની 9મી ઓક્ટોબરના રોજ ભારતનું વિદેશી હૂંડિયામણ 551.50 અબજ ડોલર અને બીજી ઓક્ટોબરના રોજ 545.63 અબજ ડોલરની નવી વિક્રમી ઉંચાઇએ નોંધાયું હતુ. તેની પૂર્વેના 25 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ 3.01 અબજ ડોલર ઘટીને 542.02 અબજ ડોલર થયુ હતુ.

 ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ એફસીએ પર પડે છે.

સમિક્ષાધીન સમયગાળામાં ભારતના વિદેશી હૂંડિયામણ સર્વોચ્ચ સપાટીએ પહોંચવાનું મુખ્ય કારણ ફોરેક્સ કરન્સી એસેટ્સમાં વધારો છે, જે કુલ ફોરેક્સ રિઝર્વમાં સૌથી વધારે યોગદાન આપે છે.

રિઝર્વ બેન્કના આંકડા મુજબ સમિક્ષાધીન સમયગાળામાં ફોરેન કરન્સી એસેટ્સ 3.53 અબજ ડોલર વધીને 512.32 અબજ ડોલર નોંધાયુ છે. ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ એફસીએ પર પડે છે.

સમિક્ષાધીન સમયગાળામાં ભારતનું ગોલ્ડ રિઝર્વ પણ 86 અબજ ડોલર વધીને 36.68 અબજ ડોલર થયુ હતુ.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ભારતના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ 1.48 અબજ ડોલરે યથાવત રહ્યા છે. તો IMFમાં ભારતની રિઝર્વ પોઝિશન 7.1 કરોડ ડોલર ઘટીને 4.63 અબજ ડોલર થઇ હતી.

(7:59 pm IST)