Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

લોકસભા-વિધાનસભામાં ચૂંટણી ખર્ચની મર્યાદા ૧૦ ટકા વધારાઈ

કોરોનાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચના નિર્ણય : વિધાનસભામાં ૨૮ લાખના બદલે ૩૦ લાખ ૮૦ હજાર, લોકસભામાં ૭૦ના બદલે ૭૭ લાખ ખર્ચ કરી શકાશે

નવીદિલ્હી, તા. ૨૩ : ચૂંટણી પંચે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ખર્ચની મર્યાદામાં દસ ટકાનો વધારો કર્યો છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. કેમ કે, માનવામાં આવી રહ્યું છે કે, ઉમેદવારોએ ચૂંટણી પ્રચારમાં વધારે ખર્ચ કરવો પડશે. હવે વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર ૨૮ લાખના બદલે ૩૦ લાખ ૮૦ હજાર રૂપિયા જ્યારે લોકસભાની ચૂંટણીના ઉમેદવાર ૭૦ના બદલે ૭૭ લાખ રૂપિયા ખર્ચ કરી શકશે. આમ પણ મોંઘવારીમાં વધારો અને ચૂંટણી પ્રચારમાં સંસાધનોની જરૂરને ધ્યાનમાં રાખીને અવારનવાર ચૂંટણી ખર્ચની મર્યાદામાં વધારો કરવામાં આવતો રહેતો હોય છે. છેલ્લે આ મર્યાદા છ વર્ષ પહેલાં વધારવામાં આવી હતી. ચૂંટણી પંચ ઉમેદવારના ચૂંટણી પ્રચાર વગેરેમાં થતાં તમામ પ્રકારના ખર્ચનો અંદાજ લગાવીને જ ખર્ચની મર્યાદા નક્કી કરે છે. જો કોઈ ઉમેદવાર યોગ્ય રીતે ચૂંટણી લડવા ઇચ્છે તો તેના માટે એ ખર્ચ મર્યાદા પૂરતી માનવામાં આવે છે. જોકે, અગ્રણી રાજકીય પક્ષોના નેતાઓ અનેક વખત આ નિયમનો ભંગ કરતા હોય છે. જે બદલ તેમની વિરુદ્ધ વિરોધી પક્ષો ફરિયાદ પણ દાખલ કરે છે. આમ છતાં આ રીતે નિયમોનો ભંગ થતો અટકતો નથી. એટલા માટે ચૂંટણી ખર્ચની મર્યાદાનો અમલ થાય એની ખાતરી કેવી રીતે થઈ શકે એના પર વિચાર કરવો જરૂરી છે.

ચૂંટણી ખર્ચમાં પારદર્શકતાની જરૂર ઘણા સમયથી અનુભવવામાં આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા કડકપણે દેખરેખ રાખવામાં આવતી હોવા છતાં મોટા ભાગના ઉમેદવારો નિર્ધારિત મર્યાદાથી વધારે ખર્ચ કરે છે. વાસ્તવમાં હવે ચૂંટણી પ્રચારમાં રૂપિયાની તાકાતને ખુલ્લેઆમ રજૂ કરવામાં આવે છે. ચૂંટણીના ખર્ચ માટે પક્ષો અને તેમના ઉમેદવારો ભંડોળ એકત્ર કરવા માટે વ્યાપકપણે અભિયાન ચલાવે છે. ઉપરાંત પક્ષો એવા ઉમેદવારોને ટિકિટ આપવાનું યોગ્ય સમજે છે કે જેમની પાસે ચૂંટણીમાં ખર્ચ કરવા માટે પૂરતા પ્રમાણમાં રૂપિયા હોય. જેના કારણે જ ચૂંટણીઓમાં પોસ્ટર, બેનર, મોટા કટઆઉટ તેમજ ટીવી ચેનલોમાં યુદ્ધના ધોરણે જાહેરાતો આપવા માટે જાણે રેસ લાગે છે.

            બલકે, મતદાતાઓને રીઝવવા માટે ઉમેદવારો દ્વારા ખોટી રીતે નાણા ખર્ચવામાં આવતા હોવાની ફરિયાદો પણ સામાન્ય છે. મતદાતાઓમાં દારૂ, સાડી, ઘરેણાં, રોકડ વહેંચવાની રીત સામાન્ય છે. એટલા માટે જ ચૂંટણી પંચ એ ખર્ચાઓની ઉમેદવારોના ખર્ચમાં ગણતરી કરી શકતું નથી. ઉપરાંત ચૂંટણી રેલીઓમાં ઉપયોગમાં લેવામાં આવતાં વાહનો, હેલિકોપ્ટર, વિશાળ મંચ વગેરે માટે થતો ખર્ચ ઉમેદવારો પક્ષના ફંડમાં બતાવી દેતા હોય છે. એટલા માટે ઘણા બધા ખર્ચ ચૂંટણી પંચના હિસાબમાંથી બહાર જ રહે છે. ચૂંટણી ખર્ચને નિયંત્રિત કરવાની જરૂર એટલા માટે પણ અનુભવવામાં આવી રહી છે કે, ચૂંટણી કાળા ધનને છુપાવવા માટેની એક રીત ગણવામાં આવે છે. જોકે, પક્ષને આપવામાં આવતા દાન માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. એ દાનની રકમ પણ નક્કી કરવામાં આવી છે. આમ છતાં હકીકત એ છે કે, અનેક વેપારીઓ રાજકીય પક્ષોને દાનના નામે પોતાનું કાળું ધન જ આપે છે. આ રીતે પક્ષો રૂપિયાના જોરે પોતાની તરફેણમાં માહોલ બનાવે છે. જેનાથી લોકશાહીનો હેતુ મરી જાય છે. એટલા માટે જ ચૂંટણ પંચે આ મામલે કડકાઈથી નિયમોનું પાલન કરાવવાની જરૂર છે

(7:29 pm IST)